સામાન્ય રીતે લોકો ઉનાળામાં ઠંડક મેળવવા માટે રાયતાનું સેવન કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં પણ ચોક્કસ પ્રકારના રાયતા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે? શિયાળામાં મળતા શાકભાજી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવાયેલા રાયતા શરીરને અંદરથી ગરમ રાખવાની સાથે પાચનશક્તિ પણ સુધારે છે. આ સીઝનમાં તમે ડાયેટમાં સામેલ કરી શકો તેવા 5 શ્રેષ્ઠ રાયતા અહીં પ્રસ્તુત છે.
પોષક તત્વોથી ભરપૂર બથુઆનું રાયતું: બથુઆની તાસીર ગરમ હોય છે, જે શિયાળા માટે ઉત્તમ છે. બથુઆના પાનને હળવા સ્ટીમ કરી, પીસીને દહીંમાં મિક્સ કરો. તેમાં લીલા મરચાની પેસ્ટ, સંચળ અને મરી પાવડર ઉમેરો. અંતમાં જીરું અને હિંગનો વઘાર કરવાથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રાયતું તૈયાર થઈ જશે.
વિટામિન-એ થી ભરપૂર ગાજરનું રાયતું: ગાજરનો હલવો તો તમે બહુ ખાધો હશે, પણ આ વખતે ગાજરનું રાયતું ટ્રાય કરો. ઝીણું છીણેલું ગાજર દહીંમાં ઉમેરી તેમાં જીરું પાવડર, મરી પાવડર અને સંચળ મિક્સ કરો. સ્વાદ વધારવા માટે લસણ, જીરું અને હિંગનો વઘાર કરો. આ રાયતું આંખો અને ત્વચા માટે પણ ફાયદાકારક છે.
લસણનું ‘બુરાની’ રાયતું: હૈદરાબાદી વ્યંજનો સાથે પીરસાતું આ રાયતું શિયાળામાં ઈમ્યુનિટી વધારે છે. દહીંને બરાબર ફેંટી લો. એક પેનમાં તેલ ગરમ કરી લસણની કળીઓને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો અને તેને દહીંમાં ઉમેરો. લાલ મરચું, સંચળ અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી કોથમીરથી ગાર્નિશ કરો.
બીટરૂટ રાયતું: આ હેલ્ધી રાયતું સેલિબ્રિટીઝમાં પણ ખૂબ લોકપ્રિય છે. બીટને છીણીને પહેલા વરાળમાં બાફી લો અને પછી દહીંમાં ઉમેરો. તેમાં બેઝિક મસાલા મિક્સ કરો. આ રાયતું શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદરૂપ થાય છે.
સ્પ્રિંગ ઓનિયન અને પીનટ રાયતું: લીલી ડુંગળી અને શેકેલી સીંગનું કોમ્બિનેશન શિયાળામાં અદભૂત લાગે છે. ફેંટેલા દહીંમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી, વાટેલું લસણ, મરી પાવડર અને શેકેલી સીંગનો ભૂકો ઉમેરો. આ રાયતું પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે.
આ પણ વાંચોઃ ગૌતમ ગંભીરે માં કામાખ્યા ધામમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

