કોલકાતા, 3 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં અને ખાસ કરીને શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસની અંદર ચાલી રહેલો વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતાઓના નિવેદનોએ પાર્ટીમાં મોટા ભંગાણના સંકેતો આપ્યા છે. ટીએમસીના બળવાખોર નેતા ઋતબ્રત બેનર્જીએ મોટો દાવો કરતા કહ્યું છે કે વિધાનસભા સ્પીકરે તેમના જૂથની દાવેદારી સ્વીકારી લીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટીએમસીનું ધારાસભ્ય દળ એ જ જૂથનું છે, જેની પાસે પાર્ટીના ચૂંટણી ચિન્હ પર જીતીને આવેલા બે-તૃતીયાંશ ધારાસભ્યો છે.
ઋતબ્રત બેનર્જીએ જણાવ્યું કે, તેમનું જૂથ મમતા બેનર્જીને પત્ર લખીને ટીએમસી ધારાસભ્ય દળના ‘ચીફ એડવાઈઝર’ (મુખ્ય સલાહકાર) બનવા વિનંતી કરશે. તેઓ ઈચ્છે છે કે મમતા બેનર્જી પાર્ટીને માર્ગદર્શન આપતા રહે. બીજી તરફ, નિષ્કાસિત નેતા સંદીપન સાહાએ પણ દાવો કર્યો કે વિપક્ષના નેતાનો રૂમ સત્તાવાર રીતે તેમને ફાળવવામાં આવ્યો છે અને ઋતબ્રત બેનર્જી ત્યાં બેસી પણ ચૂક્યા છે. આ ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે બળવાખોર જૂથ હવે પોતાને વિધાનસભામાં અસલી ટીએમસી તરીકે રજૂ કરી રહ્યા છે.
-
અભિષેક બેનર્જીની કાર્યશૈલી પર સવાલો
ઋતબ્રત બેનર્જીએ પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે, “મેં પાર્ટીમાં વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પહેલા ત્રણ દિવસ તો મને અંદર ઘૂસવા જ ન દેવાયો. આ ચૂંટણીમાં ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો હતો. વારંવાર રજૂઆત કરવા છતાં અને પુરાવાઓ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. ત્યારબાદ કહેવાયું કે ચૂંટણી પછી કેટલાક લોકો સામે પગલાં લેવાશે.” તેમણે અભિષેક બેનર્જી પર પણ નિશાન સાધતા કહ્યું કે, “ચોરની જેમ માર ખાધા પછી તેઓ બોલ્યા કે જનતા તેમની સુરક્ષા કરશે, અને પછી તેમની તરફથી સુરક્ષા માટે પત્ર લખવામાં આવ્યો.”
ટીએમસી ની અંદર હવે ખુલ્લેઆમ બે જૂથો જોવા મળી રહ્યા છે. એક તરફ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીનું સત્તાવાર જૂથ છે, જ્યારે બીજી તરફ પોતાને અસલી ધારાસભ્ય દળ ગણાવતા બળવાખોર ધારાસભ્યો છે. ઋતબ્રત બેનર્જીનો દાવો છે કે તેમની સાથે 58 ધારાસભ્યો છે અને અન્ય 2 ધારાસભ્યો પણ ટૂંક સમયમાં જોડાઈ શકે છે. આ દાવાએ ટીએમસી નેતૃત્વની ઊંઘ હરામ કરી દીધી છે. સંદીપન સાહાએ પાર્ટીની વર્તમાન સ્થિતિ માટે સીધી રીતે અભિષેક બેનર્જીની કાર્યશૈલીને જવાબદાર ઠેરવી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “જો કોઈ નેતા સફળતાનો શ્રેય લેતો હોય, તો તેણે હાર અને સંકટની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ.” આ અગાઉ પણ ઘણા બળવાખોર નેતાઓ અભિષેકની રણનીતિ અને સંગઠન ચલાવવાની રીત પર સવાલો ઉઠાવી ચૂક્યા છે.

