Site icon Revoi.in

ટ્રમ્પે ચીની રાષ્ટ્રપતિની કરી પ્રશંસા, જિનપિંગને ગણાવ્યા મહાન નેતા

Social Share

બીજિંગ, 14 મે 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં જ ટ્રમ્પે જિનપિંગની પ્રશંસા કરતા તેમને વિશ્વના એક ‘મહાન નેતા’ તરીકે સંબોધ્યા હતા. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વચ્ચેના સંબંધો આગામી સમયમાં નવી ઊંચાઈઓ સર કરશે. ઓપનિંગ રિમાર્કમાં ડોનાલ્ડ ટ્રમ્પે જિનપિંગ પ્રત્યે આદર વ્યક્ત કરતા કહ્યું કે, “હું દરેકને કહું છું કે તમે એક મહાન નેતા છો. ક્યારેક લોકોને મારું આ કહેવું પસંદ નથી આવતું, પરંતુ હું ફરીથી કહીશ કારણ કે તે સત્ય છે. તમારી સાથે હોવું અને તમારી સાથે મિત્રતા હોવી એ મારા માટે સન્માનની વાત છે.”

ટ્રમ્પે પોતાના ડેલિગેશન અંગે માહિતી આપતા કહ્યું કે, અમેરિકાના ટોચના 30 ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ આ બેઠક માટે ઉત્સુક છે. તેમણે ઉમેર્યું, “મને કંપનીઓના બીજા કે ત્રીજા નંબરના લોકો જોઈતા નહોતા, મને માત્ર ટોચના લોકો જ જોઈતા હતા અને તેઓ આજે અહીં તમને અને ચીનને સન્માન આપવા આવ્યા છે. તેઓ ચીન સાથે વેપાર કરવા માટે આતુર છે.” ચીનના ‘ગ્રેટ હોલ ઓફ પીપલ’ ખાતે યોજાયેલી આ બેઠકમાં બંને દેશો વચ્ચે ટેકનોલોજી, વ્યાપાર, હોર્મુઝની ખાડી અને ઈરાન જેવા ગંભીર અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકને કેટલાક નિષ્ણાતો અત્યાર સુધીની સૌથી મોટી સમિટ ગણાવી રહ્યા છે.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમારા સંબંધો હંમેશા સારા રહ્યા છે. જ્યારે પણ મુશ્કેલીઓ આવી છે, ત્યારે અમે સાથે મળીને તેનો ઉકેલ લાવ્યા છીએ. આપણું ભવિષ્ય સાથે મળીને ખૂબ જ ઉજ્જવળ હશે. ગ્રેટ હોલ ખાતે રાષ્ટ્રપતિ શી જિનપિંગે ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અમેરિકી રાષ્ટ્રપતિના સન્માનમાં સૈનિકો દ્વારા એક ખાસ કોરિયોગ્રાફ્ડ મિલિટરી શો પણ યોજવામાં આવ્યો હતો. આ બેઠક પર હાલ સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

આ પણ વાંચોઃ કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે સમજાયું કે આ તો ગરબડ છે, સુધારો કરવો પડશેઃ ગોપાલભાઈ ગોસ્વામી

Exit mobile version