1. Home
  2. Bharat@2047
  3. કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે સમજાયું કે આ તો ગરબડ છે, સુધારો કરવો પડશેઃ ગોપાલભાઈ ગોસ્વામી
કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે સમજાયું કે આ તો ગરબડ છે, સુધારો કરવો પડશેઃ ગોપાલભાઈ ગોસ્વામી

કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ રહી હતી ત્યારે સમજાયું કે આ તો ગરબડ છે, સુધારો કરવો પડશેઃ ગોપાલભાઈ ગોસ્વામી

0
Social Share

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 14 મે 2026 – કાશ્મીરનો મુદ્દો હોય કે પછી નક્સલવાદનો, આતંકવાદની વાત હોય કે પછી લવ જેહાદની, સીએએની ચર્ચા હોય કે પછી એનઆરસીની, ઇતિહાસની વાત હોય કે પછી હિન્દુ મંદિરોના વિધ્વંસની—આ દેશમાં હંમેશાં એક એવો નૅરેટિવ હાવી રહ્યો છે જે વાસ્તવિકતાથી સદંતર વિરુદ્ધ હોય છે. અને કમનસીબે મોટાભાગના સામાન્ય નાગરિકો આ નકારાત્મક નૅરેટિવનો ભોગ બનતા રહ્યા છે.

એક ચોક્કસ પ્રકારના, એક તરફી નૅરેટિવને કારણે દેશમાં ખાસ કરીને 2014 પહેલાં એવી સ્થિતિનું નિર્માણ થયેલું હતું જ્યાં સમાજમાં નકારાત્મકતા અને હતાશા લગભગ સાર્વત્રિક બની ગઈ હતી. મીડિયાની ભૂમિકા પણ આ બાબતે એકતરફી હતી એ વાત અજાણી નથી.

એ સમયગાળામાં ગુજરાત સહિત દેશમાં અનેક લોકોને એવું લાગ્યા કરતું હતું કે વિવિધ મુદ્દે જે એકતરફી વિમર્શ થાય છે અને તેને કારણે દુનિયામાં દેશની છબિને નુકસાન થાય છે. આ સ્થિતિ બદલવા કશુંક કરવું જોઈએ એવી લાગણી ઘણા લોકોને થતી હતી. જોકે આ માટે તેમને યોગ્ય દિશા મળતી નહોતી. અથવા એવું કહેવું જોઈએ કે, દિશા તો દેખાતી હતી પરંતુ તેના ઉપર ચાલવા માટે વધારે લોકો તૈયાર નહોતા.

ખાસ કરીને દેશનો બુદ્ધિજીવી વર્ગ એક પ્રકારે નિષ્ક્રિય અવસ્થામાં ચાલ્યો ગયો હતો એવું કહેવું જરાય ખોટું નથી. રાષ્ટ્ર-પ્રથમની વિચારધારા ધરાવતા અનેક લોકો ગાંઠનું ગોપીચંદન કરીને પણ સાચી વાતો લોકો સુધી લઈ જવા મથામણ કરતા હતા, પણ તેમને વ્યાપક જનસમુદાયનું પીઠબળ મળતું નહોતું.

પીઠબળ નહીં મળવાનું મુખ્ય કારણ શું?

આ પ્રશ્ન સાથે GAP ગ્રુપ ઑફ કંપનીઝના ચૅરમેન શ્રી ગોપાલભાઈ ગોસ્વામીને મળવાનું થયું ત્યારે આખો મુદ્દો યોગ્ય રીતે સમજાયો. છેલ્લા પાંચેક વર્ષથી સુરત લિટફેસ્ટ નામે સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ખૂબ મોટાપાયે આયોજન કરનાર શ્રી ગોપાલભાઈએ રિવોઈ ન્યૂઝને કહ્યું કે, “વાસ્તવમાં 2009માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક વર્ગ દરમિયાન જમ્મુ-કાશ્મીર વિશે વિમર્શ ચાલી રહ્યો હતો. એ દરમિયાન એક સહભાગીએ જે રજૂઆત કરી એ ત્યાં ઉપસ્થિત સૌને માટે ચિંતાજનક હતી. એ સહભાગીએ કહ્યું કે, કાશ્મીરમાં ભારતીય સૈન્ય સ્થાનિક પ્રજા ઉપર અત્યાચાર કરે છે અને મહિલાઓ ઉપર દુષ્કર્મ કરે છે. તેમને પૂછવામાં આવ્યું કે, તમને આવું કોણે કહ્યું? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, આ બધું અરુંધતી રૉયના પુસ્તકમાં લખેલું છે અને મીડિયા પણ કહે છે.”

“વર્ગમાં સામેલ સહભાગીની એ વાત ત્યાં ઉપસ્થિત બાકીના બધા જાણતા હતા તેથી ઘણાએ હસી કાઢી, ઘણાએ મૌન રહેવાનું પસંદ કર્યું. પરંતુ મને વિચાર આવ્યો કે, ઉચ્ચ શિક્ષિત વર્ગમાં જો આ નૅરેટિવ ઘર કરી ગયો હોય તો તેને દૂર કરવા માટે કોઈ સકારાત્મક – રચનાત્મક કામગીરી કરવી જોઈએ. આ માટે મનોમંથન શરૂ કર્યું. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાનું અને નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. વિચાર આવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વતંત્રતાના એકસોમા વર્ષે અર્થાત 2047માં વિકસિત ભારત વિશે વાત કરે છે તો આપણે પણ શું એ દિશામાં કોઈ કામગીરી કરી શકીએ! અને તે સાથે જ સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત “ભારત@2047” શબ્દપ્રયોગ કોઈન કર્યો અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ કરવાનું વિચાર્યું જેમાં ભારતીય સંસ્કૃતિ કેન્દ્રમાં હોય. તેમાંથી સુરત લિટફેસ્ટનો વિચાર જન્મ્યો અને અત્યાર સુધીમાં ચાર આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. અને આવતા વર્ષ – 2027 માટે પાંચમી આવૃત્તિનું આયોજન શરૂ થઈ ગયું છે.”

ડૉ. ગોપાલભાઈ ગોસ્વામી અને GAP

મૂળ ઉત્તરાખંડના પરંતુ 1980ના દાયકાથી ગુજરાતમાં સ્થાયી થયેલા ગોપાલભાઈ ગોસ્વામી બિઝનેસ મેનેજમેન્ટમાં ડૉક્ટરેટ છે. ઉત્તરાખંડના પૂજારી પરિવારમાંથી આવતા ગોપાલભાઈના પિતા તો ભારતીય સૈન્યના જવાન હતા, પરંતુ કાકા પાસેથી ધર્મ તેમજ શાસ્ત્રોને ઊંડાણપૂર્વક જાણવા-સમજવાની તક મળી. ગોપાલભાઈને પહેલા ધોરણથી જ વાચનનું ઘેલું લાગ્યું હતું પરિણામે જે એક્સપોઝર મળ્યું એ જ તેમને લિટરેચર ફેસ્ટિવલ જેવી રચનાત્મક પ્રવૃત્તિ તરફ દોરી ગયો હોય એવું કહી શકાય.

સુરત લિટરેચર ફેસ્ટિવલ – અર્થાત સુરત લિટફેસ્ટ

ભારત@2047ના કેન્દ્રીય થીમ હેઠળ યોજાતો સુરત લિટરેચર ફેસ્ટિવલ – અર્થાત સુરત લિટફેસ્ટ ગુજરાતનો સૌથી મોટો સાહિત્ય ઉત્સવ આગામી સમયમાં અન્ય શહેરો અને અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. તેનું મુખ્ય કારણ એ છે કે, આ ફેસ્ટમાં માત્ર સાહિત્ય કે પુસ્તકોની જ વાત નથી થતી પરંતુ સાથે સાથે ભારતીય સાહિત્ય અને સંગીતની પણ અહીં રજૂઆત થાય છે.

સુરત લિટફેસ્ટમાં અત્યાર સુધીમાં ચાણક્ય સિરિયલ ફેમ ચંદ્રપ્રકાશ દ્વિવેદી, કેરલ સ્ટોરીથી સુપ્રસિદ્ધ થયેલા વર્સેટાઈલ અભિનેત્રી અદા શર્મા, સ્વામી શ્રી પરમાત્માનંદ, સ્વામી શ્રી નરસિંહાનંદ, ઓર્ગેનાઈઝરના તંત્રી શ્રી પ્રફુલ્લ કેતકર, પત્રકાર-લેખક ડૉ. શિપ્રા માથુર, ન્યૂઝ18ના મેનેજિંગ એડિટર આનંદ નરસિંહન, દૂરદર્શનના વરિષ્ઠ પત્રકાર પ્રખર શ્રીવાસ્તવ, રાજધર્મના પત્રકાર સુશ્રી અર્ચના તિવારી, ફિલ્મ નિર્દેશક સુદિપ્તો સેન, પ્રખર સનાતની વક્તા સુશ્રી મીનાક્ષી સેહરાવત, સિનિયર પત્રકાર અમન ચોપરા ઉપરાંત દેશના ટોચના શાસ્ત્રીય નૃત્ય કલાકારો અને સાધુ-સંતો તથા રાજકારણીઓ સામેલ થયા છે.

એક લાખ પરિવાર સુધી પહોંચવાનું લક્ષ્ય

શ્રી ગોપાલભાઈ અને તેમના ભાગીદાર શ્રી અંબરિષ પરજિયા બિઝનેસની સાથે સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવૃત્તિઓને તો પ્રોત્સાહન આપે જ છે પરંતુ તેમનું બીજા એક સંકલ્પની પણ નોંધ લેવી જોઈએ. તેમની કંપની GAP ગ્રુપ ઑફ કંપનીઝ વતી રાષ્ટ્રવાદ અને સનાતનનો માત્ર વિચાર જ નહીં પરંતુ તેનાં સાંસ્કૃતિક પ્રતીકો પણ લોકો સુધી પહોંચે એ વાત કોઈને પણ ગૌરવાન્વિત કરી દે એવી છે. અમદાવાદ, સુરત તેમજ ધોલેરામાં ઑફિસો ધરાવતી અને રેસિડેન્શિયલ, કોમર્સિયલ, ઈન્ડસ્ટ્રીયલ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સમાં સંકળાયેલી આ કંપની વર્ષ 2047 સુધીમાં એક લાખ પરિવાર સુધી શંખ, સંકલ્પપત્ર, ભગવદ્ ગીતા, શિક્ષાપત્રી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. હિન્દુ સનાતન સભ્યતાનાં આ પ્રતીકો વર્તમાનની સાથે નવી પેઢીઓને પણ ભારત સાથે જોડી રાખશે તે નિશ્ચિત છે.

સંકલ્પ પત્રPledge -Declaration by GAP
સંકલ્પ પત્ર Pledge -Declaration by GAP

નૅરેટિવને તોડવા કરતાં નૅરેટિવ ઘડવો એ પણ એક પ્રકારનું રાષ્ટ્રીય કર્મ છે. અને કદાચ એટલે જ શ્રી ગોપાલભાઈ અને તેમની કંપની દ્વારા NITમાં ચિંતન પ્રતિષ્ઠાન નામે એક ચૅપ્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેના હેઠળ ભારતીય સભ્યતા-સંસ્કૃતિની સાચી વાતો વિદ્યાર્થીઓ-પ્રાધ્યાપકો સુધી પહોંચે.

સારાંશ

ટૂંકમાં એવું ચોક્કસ કહી શકાય કે સ્વતંત્રતા પછી ખોટા ઇતિહાસ દ્વારા, ડાબેરી ઈકોસિસ્ટમ દ્વારા ભારતના સાચા ઇતિહાસને, સાચી સંસ્કૃતિને જે રીતે હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસ સાત દાયકા સુધી થતા રહ્યા અને તેને પરિણામે દેશ અને દુનિયામાં ભારતની જે ખોટી છબિ ઊભી થઈ – સત્ય અને નૅરેટિવ વચ્ચે જે ગૅપ (gap) સર્જાઈ હતી તેને સુલટાવવા માટે જે વિવિધ સ્તરે પ્રયાસ થાય છે તેમાં એક મહત્ત્વનો પ્રયાસ GAP (ગૅપ) કંપની દ્વારા થઈ રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code