HomeDharma-ધર્મકંથરાવી પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત દેવાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

કંથરાવી પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત દેવાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 22 એપ્રિલ, 2026 – ઉત્તર ગુજરાતમાં ઊંઝા નજીક આવેલા કંથરાવી ગામમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત દેવાલયમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીરામ પરિવાર સંસ્થાન તથા સમસ્ત કંથરાવી ગામ પાટીદાર પરિવાર દ્વારા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી વૈશાખ સુદ પૂનમથી ત્રણ દિવસ માટે અર્થાત તા. 1-5-2026થી 3-5-2026 દરમિયાન યોજાશે.

જે દરમિયાન શ્રી ગણપતિ દાદા, શ્રી રામચન્દ્ર ભગવાન, શ્રી જાનકીમાતા, શ્રી લક્ષ્મણજી, શ્રી હનુમાન દાદા, શ્રી ઉમિયા માતાજી, શ્રી અંબાજી માતાજી, શ્રી શિવ-પાર્વતીજી તથા શ્રી રાધા-કૃષ્ણની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

Kantharavi Patidar community organizes Pran Pratishtha Mahotsav
Kantharavi Patidar community organizes Pran Pratishtha Mahotsav

કંથરાવી પાટીદાર પરિવાર દ્વારા આ મહોત્સવ દરમિયાન વૈશાખ સુદ પૂનમને શુક્રવારે સવારે 9.00 વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાન થશે. બીજા દિવસે વૈશાખ વદ એકમને શનિવારે સવારે 7.30 વાગ્યાથી દેવનગર યાત્રા, જલયાત્રા તથા શોભાયાત્રા નીકળશે અને એ જ રીતે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાન થશે. જ્યારે ત્રીજા દિવસે વૈશાખ વદ બીજને રવિવારે બપોરે 12.39 વાગ્યે મૂર્તિ પ્રતિષ્ઠા તથા ધજારોહણ થશે. અને તે જ સમયે દેવોની પ્રથમ આરતી પણ થશે. રવિવારે સાંજે 5.30 વાગ્યે શ્રીફળ હોમીને પૂર્ણાહૂતિ થશે અને ત્યારબાદ સાંજે 6.00 વાગ્યે મહાઆરતી થશે.

Kantharavi Patidar community organizes Pran Pratishtha Mahotsav
Kantharavi Patidar community organizes Pran Pratishtha Mahotsav

ત્રણ દિવસના આ મહોત્સવ દરમિયાન રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રથમ દિવસે પહેલી મેએ શુક્રવારે રાત્રે લોકડાયરો થશે જેમાં મહેશ દેસાઈ તથા તેમના સાથી કલાકારો પ્રસ્તુતિ કરશે. બીજા દિવસે શનિવારે માનસી દવેના લાઈવ ડીજેનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે એ જ દિવસે રાત્રે 9.00 વાગ્યે પાલનપુરના જયા પટેલ સાથે રાસ ગરબા પણ માણી શકાશે.

ગામના આ દેવાલય માટે સેંકડોની સંખ્યામાં કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા લાખો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular