અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 : Shravanotsav’ begins tomorrow ગુજરાતમાં આવતી કાલે તા. 13મી ઓગસ્ટને ગુરૂવારથી શ્રાવણોત્સના પ્રારંભથી શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠશે. તમામ મંદિરોમાં શ્રાવણ મહિના દરમિયાન વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણાના વડનગરમાં ૧૩ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભવ્ય શ્રાવણોત્સવ યોજાશે.
ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા વડનગર શહેરમાં શ્રાવણ માસની ઉજવણીના ભાગરૂપે ડમરુ યાત્રા, મહામૃત્યુંજય જાપ સ્પર્ધા અને સાંસ્કૃતિક મહોત્સવ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાશે. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત પ્રવાસન નિગમ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને સંસ્કૃત શિક્ષણ, વૈદિક પરંપરાઓ અને વડનગરના ભવ્ય વારસાથી અવગત કરાવવાનો છે. આ મહોત્સવમાં સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત પ્રવાસીઓ, કલાકારો અને યાત્રાળુઓ મોટી સંખ્યામાં જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
*ડમરુ યાત્રા અને આધ્યાત્મિક પ્રભાત ફેરીનું આકર્ષણ*
શ્રાવણ માસના પ્રથમ દિવસ એટલે કે ૧૩ ઓગસ્ટથી દરરોજ સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન વડનગરમાં ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ પ્રભાત ફેરી શહેરના નિર્ધારિત ત્રણ રૂટ પરથી શરૂ થઈને હાટકેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. આ કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે અન્ય રાજ્યોના ડમરુ વાદકો પણ ભાગ લેશે. આ માટે ખાસ ૧૦૮ ડમરુ વાદકોને પૂર્વ તાલીમ આપવામાં આવી છે. સમગ્ર યાત્રા દરમિયાન સેવા ઝોન, સંકલ્પ ઝોન, હેરિટેજ ઝોન અને ભજન સંગમ જેવા વિવિધ વિભાગો કાર્યરત રહેશે, જ્યાં સેવાભાવી બાળકો દ્વારા પાણી વિતરણ અને એકતાના પ્રતીક રૂપે રિબન બાંધવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
*મહામૃત્યુંજય જાપ અને રવિવારીય સાંસ્કૃતિક સંધ્યા*
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓ અને વડનગરની શાળાઓ માટે મહામૃત્યુંજય જાપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે ૪,૫૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધા અંતર્ગત ૧૭ ઓગસ્ટના રોજ વડનગર અને વિવિધ ઝોનની સ્પર્ધાઓ યોજાશે, જેની ફાઈનલ સ્પર્ધા ૩૧ ઓગસ્ટના રોજ યોજાશે અને ૭ સપ્ટેમ્બરના રોજ વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.


