અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 : Eight accused caught stealing crude oil from HPCL’s pipeline સરકારની માલિકીની ઓઈલ કંપની એચપીસીએલની પાઈપ લાઈનમાં પંકચર કરીને ક્રૂડ ઓઈલની ચોરી કરતી ગેન્ગનો ગુજરાત એટીએસએ પડદાફાશ કર્યો છે. આરોપીઓએ રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં એચપીસીએલની પાઇપલાઇનમાં ગેરકાયદેસર પંચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરી તેને અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચવાનું નેટવર્ક ઊભું કર્યું હતું. આ મામલે ગુજરાત એટીએસ દ્વારા કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (ATS)ના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-રાજકોટ હાઇવે પર કુવાડવા નજીક સોખડા ગામના રસ્તે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલનું વેચાણ કરી રહ્યો છે. ATSએ તેની અટકાયત કરી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ ઓઇલ રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાંથી લાવવામાં આવતું હતું. ત્યારબાદ ATSની ટીમે રાજસ્થાનના ટાપરા નજીકના એક ઢાબા પરથી અન્ય 7 સંડોવાયેલા શખ્સોની પણ અટકાયત કરી હતી.
પોલીસે આરોપીની પૂછતાછ કરતા એવી હકિકત જાણવા મળી હતી કે, તેઓ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં 3-4 ફૂટ ઊંડો ખાડો ખોદીને ત્યાંથી પસાર થતી એચસીપીએલની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને વાલ્વ બેસાડી દેતા હતા. આ વાલ્વ મારફતે ક્રૂડ ઓઇલ ચોરી કરીને તેઓ ગુજરાતમાં લાવી વેચતા હતા. આ મામલે રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ગુજરાત ATS દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને આ ક્રૂડ ઓઇલ કોને અને કેટલા રૂપિયામાં વેચવામાં આવતું હતું તથા આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


