અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 : Forest Department launches innovative initiative to protect Nalsarovar from plastic pollution નળસરોવર પક્ષી અભયારણ્યમાં આસપાસનાં ગામોમાંથી આવતા પ્લાસ્ટિકનાં કચરાને રોકવા માટે ગુજરાત વન વિભાગે એક મહત્વની પહેલ હાથ ધરી છે.
નળ સરોવર પક્ષી અભયારણ્ય હવે વિશ્વ પ્રસિદ્ધ ‘રામસર’ સાઇટ છે. ગુજરાત વન વિભાગે આ વેટલેન્ડમાં અને તેની આસપાસ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે એક વ્યાપક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછુ કરવાની સાથે સાથે સ્થાનિક લોકોમાં જાગૃતિ વધારવાનો અને આજીવિકાની તકો ઊભી કરવાનો છે.
નળસરોવર પક્ષી અભયારણ્યને વર્ષ-2012માં રામસર કન્વેન્શન હેઠળ ‘રામસર સાઇટ’ (આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતો જળપ્લાવિક વિસ્તાર)નો દરજ્જો મળ્યો છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર સ્થિત આ અભયારણ્ય મધ્ય એશિયા, સાઇબિરીયા અને યુરોપથી આવતા લાખો યાયાવર પક્ષીઓ માટે શિયાળા દરમિયાન એક મહત્વપૂર્ણ આશ્રયસ્થાન અને રોકાણનું સ્થળ છે.
“જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા સમર્થિત ‘પ્રોજેક્ટ ફોર ઈકો-રિસ્ટોરેશન ઈન ગુજરાત’ (PERG) હેઠળ રૂ. 2.94 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. નળસરોવર પક્ષી અભયારણ્ય, વાઇલ્ડલાઇફ ડિવિઝન (સાણંદ) દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતો, ઇકો-ડેવલપમેન્ટ કમિટીઓ (EDCs) અને સમુદાયના સભ્યોના સહયોગથી ચલાવવામાં આવે છે.
અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડો. જયપાલ સિંહે જણાવ્યું કે, “અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાયલા ગામે ‘પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર’ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અમદાવાદ જિલ્લાના વેકરિયા, કાયલા, શાહપુર, ધારજી અને મેણી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના નાની કઠેચી અને રાણાગઢ સહિત નળસરોવરની આસપાસના ગામોને આવરી લેશે.
લોકભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે, આ પ્રોજેક્ટ હેઠળ વન વિભાગ નળસરોવર પક્ષી અભયારણ્યની આસપાસના ગામોમાંથી એકત્રિત કરાયેલા પ્લાસ્ટિક કચરાને નક્કી કરેલી કિંમતે ખરીદશે.


