અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 : Rainfall recorded in 106 talukas of Gujarat રાજ્યમાં મંગળવારે 106 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ પંચમહાલના શહેરામાં સાડા પાંચ ઈંચ, મહિસાગરના કોઠંબામાં સવા પાંચ ઈંચ, તેમજ લૂણાવાડા, દહેગામ, વલસાડ, દાહોદ, ગોધરા, કપડવંજ સહિત 106 તાલુકામાં વરસાદ પડ્યો હતો. શહેરા અને કોઠંબામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુવા ગામ પૂરના પાણીથી સંપર્ક વિહોણું થયું છે અને આઠ જેટલા મકાનો ડૂબતા 30 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ અને ગાંધીનગરમાં સહિત રાજ્યના અનેક જિલ્લામાં ઝરમર વરસાદ શરૂ થયો છે. ત્યારે મંગળવારે 106 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર અને બાલાસિનોરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નદી-નાળાઓ ઓવરફ્લો થતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. લુણાવાડાના સુવા ગામે કોતરના પાણી ગામમાં ફરી વળતાં સંપર્ક વિહોણું બન્યું છે અને નાયક ફળિયામાં અંદાજે 8 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થિતિ ગંભીર બનતાં વહીવટી અને ફાયર ટીમે 25થી 30 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. આ ઉપરાંત, સ્થાનિક આયુર્વેદિક વૈદ્ય પાસે દવા લેવા આવેલા વડોદરા અને ઉમરગામના 100 જેટલા દર્દીઓ પણ રસ્તા બંધ થતાં ગામમાં ફસાઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં વહેલી સવારે 2 કલાકમાં જ ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો હતો.


