સુરત, 12 ઓગસ્ટ 2026 : Massive fire breaks out in a three-story house શહેરના સિંગણપોર વિસ્તારમાં નવા મહોલ્લામાં આવેલા એક ત્રણ માળના મકાનમાં આગ ફાટી નિકળતા અફરા-તફરી મચી ગઈ હતી. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. આગ લાગી તે મકાનમાં માત્ર બીજો માળ રેસીડેન્ટ હતો. એ સિવાય ગ્રાઉન્ડ ફ્લોર સહિત પહેલા અને ત્રીજા માળે ગોડાઉનમાં સામાન મૂકવામાં આવ્યો હતો.આગ જોતજોતામાં બીજા માળે પ્રસરી જતા સ્થાનિક લોકોએ મકાન નીચે ટેમ્પો ઊભો રાખી દોરડાની મદદથી ફસાયેલા તમામ 3 લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લીધા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સિંગણપોર વિસ્તારમાં નવા મહોલ્લામાં આવેલા એક ત્રણ માળના મકાનમાં આગ ફાટી નિકળી હતી. આગ જોતજોતામાં પ્રથમ માળથી ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગ લાગ્યની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. 5 અલગ-અલગ ફાયર સ્ટેશનની 10થી પણ વધુ ગાડી સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, ટેરેસ પર પતરાના શેડમાં સામાન અને બેગનો જથ્થો હોવાને કારણે થોડી જ વારમાં આગ ફરીથી ભભૂકી હતી. પહેલા માળે લાગેલી આગ જોતજોતામાં ત્રીજા માળ પર પતરાના શેડ સુધી પહોંચી જતાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના રહીશોમાં ભારે દહેશત વ્યાપી ગઈ હતી. ફાયર વિભાગે પુનઃ ભારે જહેમત ઉઠાવી આગ પર બીજી વખત સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે સ્થાનિકોની ત્વરિત કામગીરી અને ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ દ્વારા કોઈ સળગતો સામાન રહી ન જાય તે માટે કૂલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આગ લાગવાનું સચોટ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


