1. Home
  2. કૃષિ
  3. -
  4. ખેતી
  5. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ભાવનગર સહિત ચાર ‘સૅન્ટર ઑફ ઍક્સેલન્સ’ બનશે
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ભાવનગર સહિત ચાર ‘સૅન્ટર ઑફ ઍક્સેલન્સ’ બનશે

પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ભાવનગર સહિત ચાર ‘સૅન્ટર ઑફ ઍક્સેલન્સ’ બનશે

0
Social Share

ગાંધીનગર, 12 ઓગસ્ટ 2026 : Four ‘Centres of Excellence’ to be set up to boost natural farming રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગ આપવા માટે રાજ્યના ચાર જિલ્લામાં ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ સ્થાપવામાં આવશે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુરમાં આ કેન્દ્રો ઊભા કરવા માટે વર્ષ 2026-27માં રૂ. 20 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

આ કેન્દ્રોમાં એકસાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપરાંત આ પદ્ધતિ અપનાવવા ઇચ્છતા ખેડૂતોને પણ અહીં તાલીમ, માર્ગદર્શન અને ખેતી સંબંધિત વિવિધ સુવિધાઓ મળી રહેશે.

રાજ્યમાં ચાર સ્થળોએ કેન્દ્રો ઊભા કરાશે

પ્રથમ તબક્કામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી ગામ, મોરબી જિલ્લાના હળવદ, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામ અને છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ચૂડેલ ગામ ખાતે સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે. યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે.

જીવામૃતથી માંડીને બિયારણ-રોપા સુધી મળશે સુવિધા

આ કેન્દ્રો માત્ર તાલીમ પૂરતાં મર્યાદિત નહીં રહે, પરંતુ પ્રાકૃતિક ખેતીના મોડેલ કેમ્પસ તરીકે વિકસાવવામાં આવશે. ખેડૂતોને ખેતી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ સાથે જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર જેવા બાયો-ઇનપુટ્સ તૈયાર કરવાની તાલીમ આપવામાં આવશે. આ બાયો-ઇનપુટ્સનું ઉત્પાદન કરીને ખેડૂતોને નજીવા ભાવે ઉપલબ્ધ કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ પ્રકારના આચ્છાદન, પાકોના બિયારણ, બાગાયતી પાકોના રોપા, કટીંગ અને કલમો સહિતના પ્લાન્ટિંગ મટિરિયલનું ઉત્પાદન અને વેચાણ પણ કેન્દ્રો પરથી કરવામાં આવશે.

માટી અને ઉત્પાદનની ગુણવત્તા પણ ચકાસી શકાશે.

સેન્ટર ઑફ એક્સેલન્સમાં ખેડૂતોને માટી પરીક્ષણ અને કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી માટે માર્ગદર્શન મળશે. નવી ટેકનોલોજી, પ્રાથમિક ખેતી સામગ્રી, મૂલ્યવર્ધન અને કાપણી પછીની પ્રક્રિયા અંગે પણ ખેડૂતોને સહાય કરવામાં આવશે.

ખર્ચ ઘટશે, આવક વધશે

સરકારના આ નિર્ણયથી પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને એક જ સ્થળે તાલીમ, ટેકનોલોજી, માર્ગદર્શન અને જરૂરી ખેતી સામગ્રી મળી રહેશે. બાયો-ઇનપુટ્સના યોગ્ય ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવવાથી ખેતી ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code