1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવા નરોડામાં ગોડાઉનમાંથી નવા 31 ટુ-વ્હીલરની ચોરીની મેનેજરને 3 મહિને ખબર પડી
નવા નરોડામાં ગોડાઉનમાંથી નવા 31 ટુ-વ્હીલરની ચોરીની મેનેજરને 3 મહિને ખબર પડી

નવા નરોડામાં ગોડાઉનમાંથી નવા 31 ટુ-વ્હીલરની ચોરીની મેનેજરને 3 મહિને ખબર પડી

0
Social Share

અમદાવાદ, 22 એપ્રિલ 2026: 31 new two-wheelers stolen  શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી 23.25 લાખની કિંમતના 31 નવા ટુ-વ્હીલરની ચોરી છેલ્લા ત્રણ મહિના દરમિયાન થઈ છે. ગઈ તા. 1લી એપ્રિલના રોજ સ્ટોકની ગણતરી કરાવામાં આવી ત્યારે વાહનચોરી થઈ હોવાની મેનેજરને ખબર પડી હતી. આ બનાવમાં નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના નવા નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલની પાછળ હોન્ડા ટુ-વ્હીલરનું ગોડાઉન આવેલું છે. અને નિકોલ વિસ્તારમાં આવેલા અક્ષર આર્કેડની બાજુમાં સિંગલ ઓટો મેટીર પ્રાઈવેટ લીમીટેડના હોન્ડા ટુ-વ્હીલરના શોરૂમમાં આવેલો છે. ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી 23.25 લાખની કિંમતના 31 નવા ટુ-વ્હીલરની ચોરી છેલ્લા ત્રણ મહિના દરમિયાન થઈ છે, આ અંગે નરોડા વિસ્તારમાં આવેલા સાગર ટેનામેન્ટમાં રહેતા અને ગોડાઉનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મપાલ ચૌહાણે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ 23.25 લાખના 31 ટુ-વ્હીલરની ચોરીની ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગોડાઉનમાં 1200 ટુ-વ્હીલરનો સ્ટોક હોય છે. ગોડાઉનના મેનેજર દ્વારા 1 જાન્યુઆરી 2026ના રોજ વાહનોના સ્ટોકની ગણતરી કરી હતી જે પરફેક્ટ હતી, ત્યારબાદ 1 એપ્રિલ 2026ના રોજ પણ વાહનોની સ્ટોક ગણતરી થઈ હતી જેમાં કેટલાક ટુ-વ્હીલર ઓછા હતા. ગોડાઉનના મેનેજર ધર્મપાલે ચાર મહિનાના ગાળાનો ટુ-વ્હીલરની આવક જાવકનો હિસાબ બારીકાઈથી કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતુ કે 30 એક્ટિવા અને એક બાઈક ગાયબ હતું. 4 મહિનામાં કોઈ ગઠીયો વિવિધ સમય દરમિયાન 31 વાહનોની ચોરી કરીને જતો રહ્યો હતો. ધર્મપાલે સમગ્ર મામલે શો-રૂમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી, જેમાં તેમને ફરિયાદ નોંધવાનું કહ્યું હતુ. ધર્મપાલે નિકોલ પોલીસ સ્ટેશનમાં 31 વાહન ચોરીની ફરિયાદ કરી છે જેની કિંમત 23.25 લાખ રૂપિયા થાય છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગોડાઉનમાં કોઈ સીસીટીવી કેમેરા નથી. ધર્મપાલની કંપનીમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે વાહનો ગોડાઉનમાંથી ચોરાયા કે શો-રૂમમાંથી ચોરાયા તે રહસ્ય હજુ સુધી સામે આવ્યુ નથી. હાલ પોલીસે ગુનો નોંધીને તમામ દીશામાં તપાસ શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code