સુરત, 22 એપ્રિલ 2026: Huge crowd of UP-Bihar bound tourists at Udhna railway station શહેરના ટેક્સટાઈલ સહિત અનેક ઉદ્યોગોમાં પરપ્રાંતના શ્રમિકો મોટી સંખ્યામાં કાર કરી રહ્યા છે. હાલ ઉનાળાનું વેકેશન, લગ્નસરાની સીઝન તેમજ ઉદ્યોગોમાં ચાલતી મંદીને કારણે મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના માદરે વતન યુપી – બિહાર જઈ રહ્યા છે. તેના લીધે ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની હૈયેહૈયુ દળાય એવી ભીડ જોવા મળી રહી છે. ગઈકાલે મંગળવારે એક જ દિવસમાં 4 વિશેષ ટ્રેનો મારફતે 8 હજારથી વધુ મુસાફરોને તેમના વતન મોકલવામાં આવ્યા હતાં. રેલવે પોલીસ દ્વારા પરપ્રાંતના પ્રવાસીઓને લાઈનમાં ઊભા રાખીને ટ્રેનના કોચ સુધી લઈ જવામાં આવ્યા હતા. જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય,
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ફરી એકવાર પરપ્રાંતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં માદરે વતન જવા ઉમટ્યા હતા. શાળા-કોલેજોમાં રજાઓ અને રસોઈ ગેસની અછત જેવા કારણોસર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના શ્રમિકોએ મોટી સંખ્યામાં પલાયન શરૂ કર્યું છે. મંગળવારે એક જ દિવસમાં 4 વિશેષ ટ્રેનો મારફતે 8 હજારથી વધુ મુસાફરોને તેમના વતન મોકલવામાં આવ્યા હતાં. ઉધના રેલવે સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં સોમવારની રાતથી પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો હતો. રવિવારે પ્રવાસીઓની ધક્કામુકી અને પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડ્યા બાદ હવે રેલવે તંત્ર સતર્ક જોવા મળ્યું હતું. પરપ્રાંતના પ્રવાસીઓ મંગળવાર રાતથી જ સ્ટેશન પર ધસી આવ્યા હોવાથી તેમને પ્લેટફોર્મ પર ભીડ કરવાને બદલે નિર્ધારિત ‘હોલ્ડિંગ એરિયા’માં રાખવામાં આવ્યા હતાં. ટ્રેન આવવાના સમયે પ્રવાસીઓને લાઈનબદ્ધ રીતે શિસ્તબદ્ધ રીતે કોચ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રની આ વ્યૂહરચનાને કારણે કોઈ મોટી દુર્ઘટના કે ધાંધલ-ધમાલ જોવા મળી નહોતી. RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) અને GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) ના જવાનોએ હોલ્ડિંગ એરિયાથી લઈને ટ્રેનના દરવાજા સુધી મોનિટરિંગ કર્યું હતું.
રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહીને ભીડનું સંચાલન કરતા નજરે પડ્યા હતા. આગામી દિવસોમાં મુસાફરોનો ધસારો વધવાની શક્યતાને જોતા હજુ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.


