અમદાવાદ, 8 ઓગસ્ટ 2026 : Government’s interim formula for the recruitment of Vidya Sahayaks approved રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા TET-1 વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયાને લઈને કેટલાક ઉમેદવારોએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એક એવો વચગાળાનો રસ્તો સૂચવ્યો, જેથી એક તરફ હજારો ઉમેદવારોની ભરતી અટકી ન રહે અને બીજી તરફ હાઈકોર્ટમાં અરજી કરનારા ઉમેદવારોના હિતો પણ જળવાઈ રહે. આ પ્રસ્તાવને ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપતાં હવે ભરતી પ્રક્રિયા ફરી શરૂ થવાને ગ્રીન સિગ્નલ મળી ગઈ છે.
રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રિટની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ જી.એચ.વિર્કે એવી રજુઆત કરી હતી કે,, સરકારે ભરતી પ્રક્રિયાને આગળ વધારવા માટે સંતુલિત અભિગમ અપનાવ્યો છે. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ભરતી સામે અરજી કરનારા 700થી વધુ ઉમેદવારોની સંભવિત જગ્યાઓ હાલ માટે ખાલી રાખવામાં આવશે, પરંતુ બાકીના તમામ પાત્ર ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. સરકારનું કહેવું હતું કે, જો સમગ્ર ભરતી પ્રક્રિયા માત્ર થોડાક ઉમેદવારોની અરજીઓને કારણે અટકાવી રાખવામાં આવે તો તેનો સીધો ફટકો હજારો ઉમેદવારો અને સરકારી શાળાઓને પડશે.
સરકારી તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે, વર્ષ 2027 દરમિયાન પણ રાજ્ય સરકાર આશરે 5 હજાર વિદ્યાસહાયકોની નવી ભરતી કરવાની યોજના ધરાવે છે. એટલે કે હાલ અરજી કરનારા ઉમેદવારો માટે પણ ભવિષ્યમાં પૂરતી તક ઉપલબ્ધ રહેશે. સરકારના મતે, આ કારણોસર ભરતીને સંપૂર્ણ રીતે અટકાવી રાખવાની જરૂર નથી અને વચગાળાની વ્યવસ્થા હેઠળ બાકીના ઉમેદવારોને નિમણૂક આપવી જાહેર હિતમાં છે. આ રજૂઆતને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેના પરિણામે 11 હજાર વિદ્યા-સહાયકોની જાહેર કરાયેલી ભરતીમાંથી હાલ લગભગ 10 હજાર ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે, જ્યારે અરજી કરનારા ઉમેદવારોને લગતી અંદાજે 700થી વધુ જગ્યાઓ ખાલી રાખવામાં આવશે. આ જગ્યાઓ પર કોઈ નિમણૂક કરવામાં આવશે નહીં અને હાઈકોર્ટમાં પેન્ડિંગ અરજીઓનો અંતિમ નિર્ણય આવ્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. હાઈકોર્ટ દ્વારા સરકારના આ વચગાળાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.


