Homeગુજરાતીગુજરાતરાજકોટમાં મહિલા તબીબને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 58 લાખનો ફ્રોડ કરાયો

રાજકોટમાં મહિલા તબીબને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 58 લાખનો ફ્રોડ કરાયો

રાજકોટ, 02 ઓક્ટોબર, 2026 : A female doctor was digitally arrested and defrauded of Rs 58 lakhs રાજ્યમાં સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટના નામે વોટ્સએપ કોલ કરીને લોકોને ધમકાવીને લાખો રૂપિયાનો ફ્રોડ કરી રહ્યા છે. કોઈને પણ ડિજિટલ એરેસ્ટ કરવાનો કાયદો નથી. અને ડિજિટલ એરેસ્ટના આવતા ફેક કોલ સામે લોકોને જાગૃત રહેવા પોલીસ તંત્ર દ્વારા જાહેર અપીલ કરવા છતાંયે ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ઝાળમાં ફસાઈ રહ્યા છે. શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે, જેમાં આ વખતે સાયબર ગઠિયાઓએ એકલા રહેતા નિવૃત્ત મહિલા ગાયનેક ડોક્ટરને ટાર્ગેટ બનાવી ઇનકમટેક્સ તેમજ આધાર કાર્ડ અને મોબાઇલ નંબર પરથી એકાઉન્ટ ખુલ્યા બાદ ફ્રોડની રકમ જમા થઈ હોવાનું કહી ચાર દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. સાયબર માફિયાઓએ સિનિયર સિટિઝન એવા મહિલા તબીબ પાસેથી ₹58.50 લાખ પડાવી લીધા હતા. જોકે, સાયબર ક્રાઇમ પોલીસને માહિતી મળતા તાત્કાલિક તબીબી મહિલાના ઘરે પહોંચી સાયબર માફિયાઓની ચુંગલમાંથી મુક્ત કરાવી વધુ રૂપિયા 21.50 લાખ ગુમાવતા બચાવી લીધા હતા.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝન કે જેઓ ગાયનેક ડોક્ટર તરીકે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ નિવૃત્ત છે. તેમને છેલ્લા ચાર દિવસથી સાયબર માફિયાઓએ વોટ્સએપ કોલ કરીને પોતાની ઓળખ બહારના રાજ્યની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તરીકે આપી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જેમાં ઇન્કમટેક્સ તેમજ ફ્રોડની રકમ સહિતના કેસમાં સંડોવણી હોવાનું કહી ધમકી આપી માનસિક તણાવમાં મૂકી દીધા હતા અને ઘરમાં જ ‘ડિજિટલ એરેસ્ટ’ કરી રાખ્યા હતા. આ દરમિયાન સાયબર માફિયાઓએ મહિલા તબીબને સતત ડરના ઓથાર હેઠળ રાખી કાનૂની કાર્યવાહીથી બચાવવાના અલગ-અલગ બહાના હેઠળ તેમની પાસેથી કુલ ₹58.50 લાખ જેટલી રકમ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ સતત ધમકીઓ અને નાણાકીય નુકસાનના કારણે ભોગ બનનાર મહિલા ડોક્ટર માનસિક રીતે અત્યંત ભાંગી પડ્યા હતા. દરમિયાન શહેર ક્રાઈમ બ્રાન્ચને આ અંગે જાણ થતાં જ તરત જ પોલીસ મહિલા તબીબીને ત્યાં પહોંચી ગઈ હતી. અસલી પોલીસ જ્યારે મહિલા તબીબના ઘરે પહોંચી ત્યારે પોલીસને જોઈ સાબર માફિયા ગભરાઈ ગયા હતા. નકલી પોલીસની ધમકીથી ડરેલા વૃદ્ધાને વિશ્વાસ અપાવવા પોલીસે પોતાનું ઓળખ કાર્ડ બતાવી સાત્વના પાઠવી હતી.  હદ તો ત્યારે થઈ કે સાયબર માફિયાઓએ રાજકોટ પોલીસ સાથે ફોન પર વાત કરી ફરિયાદ થઈ હોવાની તેમજ કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. જોકે, પોલીસ સ્ટેશન રૂબરૂ આવવાનું કહેતા ગઠિયાએ ફોન કાપી નાખ્યો હતો.

પોલીસ જ્યારે મહિલા ડોક્ટરના ઘરે પહોંચી ત્યારે તેઓ ભારે ડર અને માનસિક તણાવમાં મોબાઈલ પર સાયબર ઠગો સાથે વાત કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને તેમને હિંમત આપી હતી અને ડિજિટલ એરેસ્ટના ખોટા ભયમાંથી બહાર લાવવા યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું. સમયસર પહોંચેલી ટીમે મહિલા ડોક્ટર દ્વારા ઠગોને ટ્રાન્સફર કરવામાં આવી રહેલા વધુ ₹21.50 લાખ અટકાવી લીધા હતા. શહેર પોલીસે ગુનો નોંધી જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે તે અંગે માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular