Homeગુજરાતીગુજરાતવડોદરાની SSG હોસ્પિટલમાં ડાયાબિટિસ, બીપી સહિત દવાઓની અછતથી દર્દીઓ પરેશાન

વડોદરાની SSG હોસ્પિટલમાં ડાયાબિટિસ, બીપી સહિત દવાઓની અછતથી દર્દીઓ પરેશાન

વડોદરા, 02 ઓક્ટોબર, 2026 : Patients troubled by shortage of medicines at SSG Hospital શહેરની એસએસજી હોસ્પિટલમાં છેલ્લા મહિનાઓથી બીપી, ડાયાબિટિસ, સહિત જીવન રક્ષક દવાઓની અછત હોવાથી દર્દીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓને મોંઘાભાવે બહારથી દવાઓ ખરીદવાની ફરજ પડી રહી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી રોજબરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ આ દર્દીઓને આપવા માટે દવાનો પૂરતો સ્ટોક નથી. હોસ્પિટલમાં કુલ 1 હજાર પૈકી 350 જેટલી દવાઓનો પૂરતો સ્ટોક ન હોવાનું ખુદ હોસ્પિટલના સંચાલકો જ જણાવી રહયા છે. આ અંગે હોસ્પિટલના સત્તાધિશો દ્વારા હેલ્થ વિભાગ પાસે દવાનો સ્ટોક માગવામાં આવ્યો છે.

એસએસજી હોસ્પિટલના આરએમઓ ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે કે હોસ્પિટલમાં હાલ ખાસ કરીને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા અતિ મહત્વના રોગોની દવાઓની ભારે અછત વર્તાઈ રહી છે. હોસ્પિટલની કુલ જરૂરી 1000 જેટલી દવાઓમાંથી આશરે 350 જેટલી દવાઓની અછત અથવા તો શોર્ટ સપ્લાયની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને કારણે સારવાર માટે આવતા હજારો દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી આ દવાઓની અછત સતત ચાલી રહી છે.

સરકારી હોસ્પિટલોમાં સામાન્ય રીતે જીએમએસસીએલ ( ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ ) દ્વારા જરૂરી દવાઓનો પુરવઠો આપવામાં આવે છે, પરંતુ જીએસસીએલ દ્વારા સમયસર દવાઓનો પુરવઠો ન પહોંચાડવામાં આવતા આ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર તરફથી જરૂરી દવાઓ સમયસર ન મળતાં તંત્ર દ્વારા સ્થાનિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને દવાઓની ખરીદી કરવાની ફરજ પડી રહી છે.તો કેટલાક કિસ્સાઓમાં તો દર્દીઓને બહારથી પણ દવા લખી આપવી પડે છે. જો કે સરકારી હોસ્પિટલમાં જે મુજબ સ્ટોક છે તે પ્રમાણે દવા આપવામાં આવે જ છે જેથી ગરીબ દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે.

હોસ્પિટલના અન્ય તબીબોના કહેવા મુજબ હાલ દર્દીઓની દૈનિક જરૂરિયાત સામે આશરે 25 થી 30 ટકા જેટલી દવાઓની સીધી અછત જોવા મળી રહી છે. સયાજી હોસ્પિટલમાં દર વર્ષે આશરે 30 કરોડ રૂપિયાથી વધુની કિંમતની દવાઓનો વપરાશ થતો હોય છે, જે દર્શાવે છે કે અહીં દર્દીઓનો પ્રવાહ કેટલો મોટો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દવાઓની પ્રાપ્યતા અને શોર્ટ સપ્લાય અંગે દર મહિને ઉચ્ચ કક્ષાએ સરકારને વિગતવાર અહેવાલ અને રિપોર્ટ પણ મોકલવામાં આવે છે. તેમ છતાં છેલ્લા ત્રણ માસથી સ્થિતિ યથાવત રહેતા દર્દીઓ અને તેમના સગાંઓને બહારથી મોંઘા ભાવે દવાઓ ખરીદવાનો વારો આવ્યો છે, જેનાથી સ્થાનિક કક્ષાએ વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular