અમદાવાદ, 02 ઓક્ટોબર, 2026 : Lawyers protest against rent bill ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક બિલને મંજુરી મળતા બિલ ગવર્નર પાસે મોકલવામાં આવ્યું છે. ગવર્નર ભાડા વિધેયક 2026 પર સહી કરે એટલે કાયદો અમલમાં આવી જશે, ગુજરાત ભાડા વિધેયક 2026નો રાજ્યના સમગ્ર વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વકીલ મંડળોએ આ નવા કાયદાને ન્યાયતંત્રની સત્તા પર તરાપ સમાન ગણાવીને સરકાર સમક્ષ વિધેયક પરત ખેંચવાની માંગ કરી છે. વિરોધના ભાગરૂપે વકીલોએ આગામી 3 ઓક્ટોબર સુધી તમામ કાયદાકીય કામકાજથી અળગા રહીને હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે બીજા દિવસે પણ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત ભાડા વિધેયક 2026ના કાયદાનો અમદાવાદ સહિત તમામ શહેરોમાં વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય આફતાબ હુસૈન અન્સારીએ જણાવ્યું હતું કે, ન્યાય આપવાનું કામ કોર્ટનું છે, કોઈ ડેપ્યુટી કલેક્ટર કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનું નહીં. અને આ નવો કાયદો માત્ર બિલ્ડરોના લાભાર્થે લાવવામાં આવ્યો છે અને તેનાથી પ્રોટેક્ટેડ ટેનન્ટ્સના (સંરક્ષિત ભાડૂઆતોના) મકાનો ખાલી કરાવવામાં આવશે. જો કોર્ટની કાર્યવાહીમાં વિલંબ થતો હોય તો સરકારે વધુ જજીસની નિમણૂક કરવી જોઈએ, નહિ કે ન્યાયિક સત્તા વહીવટી અધિકારીઓને સોંપી દેવી જોઈએ.
શહેર સ્મોલ કોઝ કોર્ટના વકીલોએ જણાવ્યું હતું કે, આ નવા વિધેયકમાં ન્યાયતંત્રની કામગીરી વહીવટી તંત્રને સોંપવામાં આવી છે જે સંપૂર્ણપણે અયોગ્ય છે. હજુ આ કાયદો બનવા માટે રાજ્યપાલની સહી થવાની બાકી છે, ત્યારે તમામ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. જો સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવશે.
વકીલ મંડળોની સંયુક્ત સભામાં એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ કાયદાના અમલથી ન્યાયતંત્ર દ્વારા લોકોને મળતા કાનૂની અધિકારોનો અંત આવશે અને સરકારી બાબુઓ તથા વહીવટી તંત્રનું રાજ સ્થપાશે. હાલમાં સરકારી અધિકારીઓ પાસે પહેલેથી જ કામનું ભારે ભારણ છે, તે જોતાં તેઓ ન્યાયિક કામગીરી યોગ્ય રીતે બજાવી શકે તેવી કોઈ શક્યતા નથી. આના પરિણામે આગામી સમયમાં મકાનમાલિક અને ભાડૂઆત બંને માટે ન્યાય મેળવવો અત્યંત મુશ્કેલ બનશે અને પારાવાર કાયદાકીય ગૂંચવાડાઓ ઊભા થશે.


