ગાંધીનગર, 02 ઓક્ટોબર, 2026 : Gujarat government compulsorily retires two IAS officers ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત ગુજરાત સરકારે એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કરીને ઘરભેગા કરી દીધા છે. જેમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહીયાને રાજ્ય સરકારે વય નિવૃત થાય તે પહેલા જ નિવૃત કરી દીધા છે. આ બન્ને અધિકારીઓ સામે ફરિયાદો સરકારને મળી હતી. સરકારના આ પગલાંથી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાત સરકારે બે આઈએએસ અધિકારીઓ સામે પગલા લઈને ફરજિયાત નિવૃત કર્યા છે. જેમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રહેલા કે. રાજેશ લાંબા સમયથી સસ્પેન્ડ હતા અને તેમના વિરુદ્ધ CBI તથા ED દ્વારા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સંબંધિત તપાસ થઈ ચૂકી છે. કે. રાજેશને જુલાઈ 2022માં CBI દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા હતા. CBIની ચાર્જશીટ મુજબ તેમના પર સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન અયોગ્ય લોકોને હથિયાર લાઇસન્સ અપાવવા, સરકારી જમીનની ફાળવણી અને સરકારી જમીન પરના અતિક્રમણને નિયમિત કરવા બદલ કથિત લાંચ લેવાના આરોપો મૂકાયા હતા. CBIની તપાસમાં રૂ.98 હજારની કથિત લાંચ અને ભેટો અંગે પુરાવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ રકમ તેમના કથિત મધ્યસ્થી રફીક મેમણના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ કેસમાં ખોટા ઇન્વોઇસ બનાવવાના પણ આરોપો સામે આવ્યા હતા.
કે. રાજેશ ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી છે અને મૂળ આંધ્રપ્રદેશના છે. તેમણે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું હતું અને UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 2010માં 103મો રેન્ક મેળવ્યો હતો. ગુજરાતમાં જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત બાદ સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી હતી. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા હતા.
આ ઉપરાતં ગુજરાત સરકારે ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગતઅધિક વિકાસ કમિશનર તરીકે કાર્યરત ગૌરવ દહીયા સામે પણ કડક કાર્યવાહી કરી ફરજિયાત નિવૃત કરી દીધા છે. ગુજરાત કેડરના 2010 બેચના IAS અધિકારી ગૌરવ દહિયા અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે. 2019માં તેમના પર એક મહિલાએ છેતરપિંડી અને ક્રિમિનલ ઇન્ટિમિડેશન સહિતના આરોપો લગાવ્યા બાદ રાજ્ય સરકારે તપાસ કમિટી બનાવી હતી અને બાદમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ ચાર વર્ષ સસ્પેન્શન હેઠળ રહ્યા બાદ જુલાઈ 2023માં ફરી સેવામાં પરત આવ્યા હતા અને અધિક વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ હતી. હવે 1 ઓક્ટોબર 2026ના રોજ સેવા સમીક્ષા બાદ તેમને ફરજિયાત નિવૃત્તિ આપવાનો નિર્ણય સામે આવ્યો છે.


