અમદાવાદ, 02 ઓક્ટોબર, 2026 : Cab and taxi travel at international airports will be expensive શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે યલો નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે પિક-અપ અને ડ્રોપ-ઑફના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે ઓલા, ઉબેર, રેપિડો કે અન્ય કોમર્શિયલ ટેક્સીથી મુસાફરી કરવી મોંઘી બનશે. જેમાં ડ્રોપ-ઑફ માટે 50 અને પિક-અપ માટે 200નો ચાર્જ ચૂકવવો પડશે. આ નવો ચાર્જ ટેક્સ કેબ કંપનીઓના એપ-ભાડામાં ઉમેરાયેલો ના હોવાથી ડ્રાઇવરો આ વધારાની રકમ સીધી મુસાફરો પાસેથી જ વસૂલશે. પરિણામે એરપૉર્ટ પર જવા ટેક્સી મુસાફરી મોંઘી પડશે.
અમદાવાદ શહેરના સરદાર પટેલ ઈન્ટરનાશનલ એરપોર્ટ પર હવેથી આરટીઓની યલો નંબર પ્લેટવાળા વાહનોના પિકઅપ અને ડ્રોપઓફના ચાર્જમાં તોતિંગ વધારો કર્યો છે. આ નવા ચાર્જિસ લાગુ કરવાની સાથે જ કોમર્શિયલ ટેક્સીઓના પાર્કિંગના સ્થળમાં પણ મોટો ફેરફાર કરાયો છે. અત્યાર સુધી આ ટેક્સીઓને ઇન્ટરનેશનલ ટર્મિનલ 2(T2)ની નજીક પાર્ક કરવા દેવામાં આવતી હતી. જોકે, હવે તમામ ટેક્સી ઓપરેટરોએ ફરજિયાતપણે ઍરપૉર્ટ સર્કલ પાસે આવેલી હોટેલ ઉમેદ નજીકના નવા પાર્કિંગ વિસ્તારનો જ ઉપયોગ કરવો પડશે.
સરદાર પટેલ એરપોર્ટ પર પાર્કિંગના નવા રેટ મુજબ, ટર્મિનલ 1(T1) ખાતે આવતી ખાનગી કારને પહેલી 8 મિનિટ માટે ફ્રી પિક-અપની સુવિધા મળશે. પરંતુ ત્યારબાદ 8થી 30 મિનિટ માટે 150 અને 30થી 60 મિનિટ માટે 200નો ચાર્જ લાગશે. બીજી તરફ, કોમર્શિયલ કાર માટે T1 પર પ્રથમ 8 મિનિટનો ચાર્જ 150થી વધારીને 200 કરી દેવાયો છે, જ્યારે 30થી 60 મિનિટ રોકાવા પર 300 ચૂકવવા પડશે. ટર્મિનલ 2(T2)ની વાત કરીએ તો, ત્યાં પણ કેબ માટે 200 પિક-અપ અને 50 ડ્રોપ-ઑફ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, અને જો વાહન નિયત સમય કરતાં વધુ રોકાશે તો સમયના આધારે આ ચાર્જમાં વધારો થશે.


