Homeગુજરાતીગુજરાતસુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો રોગચાળો, દવાખાનામાં દર્દીઓની લાઈનો લાગી

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો રોગચાળો, દવાખાનામાં દર્દીઓની લાઈનો લાગી

સુરેન્દ્રનગર, 02 ઓક્ટોબર, 2026 : Dengue and malaria epidemic ચોમાસુ વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વાયરલ ફીવર, શરદી ઉધરસ સહિત મેલેરિયા અને ડેન્ગ્યના કેસમાં રોજબરોજ વધારો થતાં આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે. હાલ સરકારી અને ખાનગી દવાખાનામાં સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગે અલગ અલગ 40 લોકોની ટીમોને સુરેન્દ્રનગરમાં મોકલી છે અને ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટીમ દ્વારા દવા છંટકાવ, ઓઇલબોલ, ફીવર્સ સર્વેલન્સ તથા પ્રચાર અને પ્રસારની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુના બે પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ બે પોઝિટિવ કેસો દાખલ થયા છે. શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 400થી વધુ ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસો દાખલ થયા છે ત્યાં દવા છંટકાવ ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તે ઘરોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ઘરોમાં ભરેલા પાણીના પાત્રો ટાયરમાં ભરાયેલા પાણી દૂર કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ પ્રકારે દવાઓનું વિતરણ અને પાણીમાં ક્લોરીનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર શહેર ઉપરાંત જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શનના કેસો બાદ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ ચાળાએ પણ માથું ઉચક્યું છે. ત્યારે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.  જિલ્લામાં જળાશયોમાં અને જ્યાં ખાબોચિયા અને પાણીના કુંડ ભરેલા હોય ત્યાં ગપ્પી છોડવામાં આવી રહ્યા છે. આના માટે ગપ્પી ફીશ મારફતે મચ્છરના પોરાનો નાશ કરવામાં આવી રહ્યો છે.

સુરેન્દ્રનગર મેલેરીયા અધિકારી ડો. જયેશ રાઠોડના કહેવા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં એક મહિનાની અંદર અલગ અલગ 40,000થી વધુ લોહી પરીક્ષાના નમૂનાઓ લેવામાં આવ્યા છે જેમાં ફીવર, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ-મેલેરિયાના કેસો દાખલ થયા છે. લોકો આવા રોગોથી બચવા માટે ઉકાળેલું પાણી પીવે, મચ્છરનો ઉપદ્રવ થતો હોય ત્યાં મચ્છરદાનીનો ઉપયોગ કરે, ઘરની બહાર ભરાયેલા ગંદા પાણી નાશ કરે તેમજ જરૂર પડે તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરે. હાલ ડેન્ગ્યુ મેલેરિયાના કેસો વધી રહ્યા છે ત્યારે તેને ડામવા માટે પણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાવવામાં આવી છે અને આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ 40 લોકોની સ્પેશિયલ ટીમ ફાળવવામાં આવી છે તેમને તમામ પ્રકારની તાલીમ આપવામાં આવી છે અને હાલમાં આ ટીમ ગ્રામીણ વિસ્તારમાં કામગીરી કરી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular