નવી દિલ્હી, 6 ઓક્ટોબર 2026: દેશભરમાં પગપાળા ચાલનારા લોકોની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તે દેશમાં એવા પાંચ શહેરોની પસંદગી કરે, જ્યાં દરેક રસ્તાની સાથે અતિક્રમણ-મુક્ત અને સ્પષ્ટ રીતે ચિહ્નિત ફૂટપાથ બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી શકાય. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા કેન્દ્ર સરકાર પાસે એ સ્પષ્ટતા પણ માગી છે કે, આ નિર્દેશોને જમીની સ્તરે લાગુ કરવા માટે કઈ કેન્દ્રીય ઓથોરિટી (પ્રાધિકરણ) જવાબદાર રહેશે. ખંડપીઠે કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજને જણાવ્યું હતું કે, આ કામ માટે નક્કી કરવામાં આવનાર ઓથોરિટી પાસે પૂરતું બજેટ, કર્મચારીઓ અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું અનિવાર્ય છે, જેથી ફૂટપાથ નિર્માણનું કામ કોઈ પણ રુકાવટ વગર પૂર્ણ થઈ શકે. આના પર સરકારી વકીલે ટૂંક સમયમાં વિગતો રજૂ કરવાની ખાતરી આપી હતી.
-
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર કેન્દ્રને ઝટકો, PIL ફગાવવાની અરજી રદ
બીજા એક મહત્વના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે ગ્રેટ નિકોબાર મેગા-ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સામે દાખલ થયેલી જાહેર હિતની અરજીઓની વૈધતાને પડકારતી કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઈકોર્ટના એ નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે, જેમાં વન અધિકાર કાયદાના કથિત ઉલ્લંઘન સાથે જોડાયેલી પીઆઈએલને સુનાવણી યોગ્ય ગણવામાં આવી હતી. સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે નોંધ્યું હતું કે આ મામલો પહેલેથી જ કલકત્તા હાઈકોર્ટ સમક્ષ વિલંબિત છે અને આગામી ૨૫-૨૬ નવેમ્બરે તેની સુનાવણી થવાની છે. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે નક્કી કરેલી તારીખો પર આ સંબંધિત તમામ વિલંબિત અરજીઓ અને પક્ષકારોની દલીલો સાંભળીને મામલાનો આખરી નિકાલ કરે.


