Homeગુજરાતીગુજરાતસુરતમાં હીરા ઉદ્યોગમાં તેજી, રત્ન કલાકારોનું દિવાળી વેકેશન માત્ર 20 દિવસ રહેશે

સુરતમાં હીરા ઉદ્યોગમાં તેજી, રત્ન કલાકારોનું દિવાળી વેકેશન માત્ર 20 દિવસ રહેશે

સુરત, 10 ઓક્ટોબર, 2026 : Diamond industry booming  વૈશ્વિક મંદીના માહોલમાં હીરા ઉદ્યોગને વિદેશથી મોટા ઓર્ડર મળતા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. તેજીની તકનો લાભ લઈને હીરાના કારખાનાં કામના કલાકો વધારી દેવામાં આવ્યા છે. તેમજ 4 વર્ષ બાદ દિવાળી વેકેશન ટૂંકું રહેવાની શક્યતાઓ છે. સામાન્ય રીતે 30 દિવસનું રહેતું દિવાળી વેકેશન આ વખતે ઘટીને માત્ર 20 દિવસનું જ રહેશે. આ હકારાત્મક માહોલ વચ્ચે ડાયમંડ વર્કર યુનિયને માગ કરી છે કે મંદીના સમયમાં કારીગરોના પગારમાં જે કાપ મૂકવામાં આવ્યો હતો, તે હવે સારો સમય આવતા પાછો ખેંચી લેવામાં આવે અને રત્નકલાકારોને યોગ્ય પગાર વધારો આપવામાં આપવો જોઈએ.

ડાયમંડ વર્કર યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં છેલ્લા ચાર વર્ષથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. પણ હવે મંદીનો કાળ પૂર્ણ થતો હોય એવું લાગી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાંથી હીરાના મોટા ઓર્ડર નીકળ્યા છે, જેના કારણે બજારમાં નવી મુવમેન્ટ ચાલુ થઈ છે. લાંબા સમય પછી હીરા બજારમાં ફરીથી રોનક જોવા મળી રહી છે, જે ઉદ્યોગકારો અને રત્નકલાકારો બંને માટે અત્યંત રાહતરૂપ સાબિત થઈ રહી છે. અગાઉના વર્ષોમાં મંદીના કારણે રત્નકલાકારોને ફરજિયાતપણે લાંબા વેકેશન પર ઉતારી દેવામાં આવતા હતા. છેલ્લા બે વર્ષમાં કામના અભાવે 20થી 25 દિવસનું લાંબુ વેકેશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે ઓર્ડરોનો ભરાવો હોવાથી કામગીરી ચાલુ રાખવી જરૂરી બની છે. કામના ભારણને પહોંચી વળવા માટે 5થી 15 નવેમ્બર 2026 સુધી અથવા વધુમાં વધુ 20 દિવસનું દિવાળી વેકેશન જાહેર થઈ શકે છે. ઓર્ડરો ખુલ્લા હોવાથી વેકેશન લંબાવવું શક્ય નથી.

ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોના આર્થિક હિતની પણ મોટી વાત મૂકી છે. જ્યારે ઉદ્યોગમાં મંદીનો કપરો સમય હતો ત્યારે કારખાનેદારો દ્વારા કારીગરોના પગારમાં 20 ટકા જેટલો તોતિંગ કાપ મૂકવામાં આવ્યો હતો. કારીગરોએ એ મુશ્કેલ સમયમાં પણ સહકાર આપ્યો હતો અને ઓછું વેતન સ્વીકાર્યું હતું. હવે જ્યારે બજારમાં તેજી આવી છે અને ઓર્ડરો ખુલ્લા છે, ત્યારે યુનિયન રજૂઆત કરી રહ્યું છે કે આ તેજીનો સીધો લાભ રત્નકલાકારોને પણ મળવો જોઈએ અને કાપવામાં આવેલો પગાર પુનઃસ્થાપિત કરી વધારો આપવો જોઈએ.(File photo)

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular