ગાંધીનગર, 7 ઓક્ટોબર, 2026 : Health-oriented activities for BSF and CRPF personnel suffering from fever and dengue રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ અને અટકાયતી પગલાંના ભાગરૂપે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરોગ્યમંત્રીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેવા માટે આવેલા જવાનો મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બન્યા હોવાથી જવાનોને જ્યાં ઉતારો આપ્યો છે. તે સરકારી આવોસોમાં સર્વેલન્સ અને ફોગિંગની કામગીરી હાથ ધરવાની સુચના આપી હતી.
‘રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ’ માં ભાગ લેવા માટે વિવિધ રાજ્યોમાંથી BSF, CRPF અને ITBPના જવાનો તારીખ ૨૧ સપ્ટેમ્બરથી ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે, જેમની રહેવાની કામચલાઉ વ્યવસ્થા ગાંધીનગર શહેર સેક્ટર-૨૮ અને ૨૯ના સરકારી આવાસમાં કરવામાં આવી છે. આ નવા બનેલા સરકારી આવાસમાં પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ સર્જાયો હતો. જેના કારણે આ જવાનોમાંથી ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. અને તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહ્યા છે.
આરોગ્ય મંત્રીએ આ જવાનોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવીને આરોગ્ય વિભાગને જરૂરી આદેશો આપ્યા હતા. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સઘન ફોગિંગ, દવાઓનો છંટકાવ અને પેશન્ટ ટ્રેકિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે. આ ઉપરાંત, જવાનોના નિવાસસ્થાનો તેમજ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાવનું સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને દૈનિક ફોગિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવે.
આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ જવાનોના સરકારી આવાસના દરેક બ્લોક દીઠ ૪-૪ આરોગ્ય કર્મચારીઓને નિયુક્ત કરવા માટે સ્પષ્ટ આદેશો આપ્યા હતા. આ ઉપરાંત, આવાસ પરિસરના કોઈ પણ ખૂણામાં કે પરિસરમાં ક્યાંય પણ પાણી ભરાઈ ન રહે તે માટે સઘન ચકાસણી કરી તાત્કાલિક નિકાલ લાવવાની કડક સૂચના પણ અધિકારીઓને આપવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની સતત કામગીરી અને વ્યાપક જાગૃતિ અભિયાનના પરિણામે વર્ષ ૨૦૨૬માં ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં મેલેરિયાના કેસોમાં ૩૯.૬ ટકા તેમજ ડેન્ગ્યુના કેસોમાં ૨૦.૬ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.
ચાલુ વર્ષે ૪૦મા સપ્તાહ સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૧.૩૯ કરોડથી વધુ લોહીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૧,૪૦૧ દર્દીઓમાં મેલેરિયાનું નિદાન થયું છે. આ ઉપરાંત, ડેન્ગ્યુના સચોટ નિદાન માટે રાજ્યની મેડિકલ કોલેજો સંલગ્ન ૪૨ હોસ્પિટલોમાં ખાસ નિદાન કેન્દ્રો કાર્યાન્વિત કરાયા છે. જ્યાં ૪૦મા સપ્તાહ સુધીમાં ૧.૫૦ લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવતા ૨,૩૪૫ દર્દીઓમાં ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.


