વેરાવળ, 8 ઓગસ્ટ 2026 : Strict action against illegal resorts and hotels near Gir Sanctuary ગીર અભ્યારણ્યની આજુબાજુ ગેરકાયદે ઊભા થયેલા રિસોર્ટ અને હોટલોને લીધે વન્ય જીવોને ખલેલ પહોંચી રહી છે. ત્યારે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર અભયારણ્યની બાહ્ય હદથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા હોસ્પિટાલિટી, રિસોર્ટ, ફાર્મ હાઉસ અને અન્ય વાણિજ્યિક એકમોની વન વિભાગ અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા અનેક એકમો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.
ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના સુપરવિઝન હેઠળ જિલ્લાના 143 ગામોમાં આવેલા કુલ 308 એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 221 એકમોમાં નિયમોના ભંગ સામે આવતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જમીન મહેસૂલ અધિનિયમની કલમ 66 અને 67 હેઠળ 191 એકમોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને સંબંધિત સંચાલકોને રૂબરૂ સુનાવણી માટે હાજર રહેવા જણાવાયું છે. તંત્રે અગાઉ શરતભંગની કાર્યવાહી પૂર્ણ થયેલા 20 યુનિટોને તાત્કાલિક અસરથી સીલ કરી દીધા છે. ઉપરાંત 54 એકમોમાં જરૂરી મંજૂરી વિના ચાલી રહેલી વાણિજ્યિક પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંબંધિત વિભાગોને સતત મોનિટરિંગ કરીને નિયમોનું પાલન કરાવવા તેમજ જરૂર પડે ત્યાં દંડાત્મક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં અગાઉ કુલ 28 યુનિટ સામે શરતભંગની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. તેમાંથી હાલમાં 20 એકમોને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના આઠ એકમોમાં વિવિધ કારણોસર કાર્યવાહી હજુ ચાલુ છે.
ગીર અભયારણ્યની આસપાસ અનિયમિત રીતે ચાલતી વાણિજ્યિક પ્રવૃત્તિઓ સામે તંત્રના આ કડક વલણથી રિસોર્ટ, ફાર્મ હાઉસ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ નિયમોનો ભંગ કરનાર એકમો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવા સ્પષ્ટ સંકેત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.


