ઇમ્ફાલ, 12 નવેમ્બર 2026 : મણિપુરમાં સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ અને અસામાજિક તત્ત્વો વિરુદ્ધ હાથ ધરેલા અભિયાન દરમિયાન શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ચુરાચાંદપુર જિલ્લાના જંગલ વિસ્તારમાંથી આશરે 10 ફૂટ લાંબુ અને 80 કિલોગ્રામ વજનનું રોકેટ, ચાર મોર્ટાર, છ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઈડી) સહિત અનેક ઘાતક હથિયારો મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે કાંગવાઈ સબ-ડિવિઝન હેઠળ આવતા પી. ગેલજાંગ ગામ નજીકના જંગલ વિસ્તારમાં જિલ્લા પોલીસ અને ભારતીય સેનાની સંયુક્ત ટીમે વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જંગલમાં છુપાવી રાખવામાં આવેલા શસ્ત્રો અને વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો હતો. ઓપરેશન દરમિયાન ચીનમાં નિર્મિત 82 એમએમના ચાર મોર્ટાર, આશરે 10 ફૂટ લાંબો અને 80 કિલોગ્રામ વજનનો એક રોકેટ, છ આઈઈડી તેમજ ચીનમાં બનેલા પાંચ ગ્રેનેડ કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક સીએમજી, એક પિસ્તોલ, બે સિંગલ બેરલ રાઇફલો અને 82 એમએમ તથા 51 એમએમની ક્ષમતાના કુલ 30 મોર્ટાર બોમ્બ પણ મળી આવ્યા હતા. સુરક્ષા દળોએ 5.6 એમએમનાં પાંચ કારતૂસ પણ કબજે કર્યાં હતાં.
પોલીસે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરીને સમગ્ર કાર્યવાહીની વિગતો આપી હતી. આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ આ જથ્થો કોણે અને કયા હેતુથી જંગલ વિસ્તારમાં છુપાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
-
મણિપુરમાં હિંસાની સ્થિતિ યથાવત્
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં મે 2023થી મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે શરૂ થયેલો વંશીય સંઘર્ષ હજુ પણ રાજ્યની શાંતિ અને સુરક્ષા માટે મોટો પડકાર બની રહ્યો છે. અત્યાર સુધીમાં આ હિંસામાં ઓછામાં ઓછા 306 લોકોનાં મોત થયાં છે, જ્યારે 49 લોકો હજુ લાપતા છે. હિંસાને કારણે હજારો લોકોએ પોતાનાં ઘર છોડવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કુકી અને નાગા સમુદાયો વચ્ચે પણ અથડામણની ઘટનાઓ સામે આવી છે. આવી સ્થિતિમાં ચુરાચાંદપુરમાંથી શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવતાં રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચિંતા વધી છે.








