Homeગુજરાતીદેશ-વિદેશચીન સાથે તણાવ વચ્ચે ફિલિપાઇન્સ ભારત પાસેથી વધુ 5 બ્રહ્મોસ સિસ્ટમ અને...

ચીન સાથે તણાવ વચ્ચે ફિલિપાઇન્સ ભારત પાસેથી વધુ 5 બ્રહ્મોસ સિસ્ટમ અને 60 મિસાઇલો ખરીદશે

નવી દિલ્હી, 6 નવેમ્બર 2026: દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે સતત વધતા સૈન્ય તણાવ વચ્ચે ફિલિપાઇન્સે પોતાની સમુદ્રી સુરક્ષા અને તટીય રક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટું કદમ ઉઠાવ્યું છે. ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે ‘બ્રહ્મોસ’ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમની વધારાની ખરીદી અંગેની વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલિપાઇન્સ આશરે 700 થી 800 મિલિયન ડોલર (રૂપિયા 6,200 થી 7,100 કરોડ) ના સંભવિત કરાર હેઠળ 5 વધારાની બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ અને લગભગ 60 મિસાઇલો ખરીદી શકે છે.

ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે પ્રસ્તાવિત આ નવો કરાર વર્ષ 2022માં થયેલા 375 મિલિયન ડોલરના પ્રથમ બ્રહ્મોસ કરાર કરતાં કદમાં ઘણો મોટો હશે. તે સમયે ફિલિપાઇન્સે પોતાની નૌકાદળ માટે બ્રહ્મોસ ખરીદી હતી. હવે નવી ખરીદી દ્વારા મનિલા પોતાના દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ અને સમુદ્રી ચોકીયાત વ્યવસ્થા વધુ મજબૂત કરવા માંગે છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનના વિસ્તારવાદી વલણ અને સતત થતી લશ્કરી હલચલને પગલે ફિલિપાઇન્સ પોતાની સૈન્ય સજ્જતા ઝડપી બનાવી રહ્યું છે. ફિલિપાઇન્સના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા આર્સેનિયો એન્ડોલોંગના જણાવ્યા મુજબ, પ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે અગાઉથી જ વધારાની બ્રહ્મોસ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, દિલ્હી ડિફેન્સ ડાયલોગ દરમિયાન ફિલિપાઇન્સના ડિફેન્સ સેક્રેટરી ગિલબર્ટ ટિઓડોરોએ પણ ભારતીય પક્ષ સામે પોતાની ઓપરેશનલ જરૂરિયાતોની યાદી શેર કરી હતી, જેથી મિસાઇલ સિસ્ટમને તેમની જરૂરિયાત મુજબ તૈયાર કરી શકાય.

  • બ્રહ્મોસ’: ભારતની વૈશ્વિક સ્તરે વધતી સામરિક તાકાત

ભારત અને રશિયાના સંયુક્ત ઉપક્રમે વિકસાવવામાં આવેલી બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાં સ્થાન ધરાવે છે. 2.8 થી 3 મેકની ઝડપ ધરાવતી આ મિસાઇલ જમીન, સમુદ્ર અને આકાશમાંથી લોન્ચ કરી શકાય છે અને તે દુશ્મનના યુદ્ધ જહાજો તેમજ જમીની લક્ષ્યોને સચોટ રીતે નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતનો સંરક્ષણ નિકાસ ગ્રાફ પણ ઝડપથી વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની ડિફેન્સ એક્સપોર્ટ 62 ટકાથી વધુના ગ્રોથ સાથે રૂ. 38,424 કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચી છે. ફિલિપાઇન્સ ઉપરાંત ઇન્ડોનેશિયા અને વિયેતનામ સાથે પણ બ્રહ્મોસ અંગે કરારો થયા છે, જ્યારે યુએઇ, થાઇલેન્ડ, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ જેવા દેશો સાથે વાટાઘાટો ચાલુ છે.

ઇન્ડો-પેસિફિક ક્ષમતામાં ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલોનો આ સપ્લાય માત્ર એક વ્યાપારી સંરક્ષણ સોદો નથી, પરંતુ તે દક્ષિણ ચીન સાગરમાં સત્તાનું સંતુલન બદલવાનો સંકેત આપે છે. ભારતની આક્રમક રક્ષા નિકાસ નીતિ અને ફિલિપાઇન્સની વધતી લશ્કરી તાકાતથી આ વિસ્તારમાં ચીન માટે વ્યૂહાત્મક સોગઠાબાજી વધુ જટિલ બનશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular