પટના, 6 નવેમ્બર 2026: બિહાર જિલ્લાના શેરપુર ગંગા ઘાટ પાસે પોલીસ અને કુખ્યાત વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ અને કુખ્યાત ગુનેગારો વચ્ચે થયેલા ધાણીફુટ ગોળીબારની ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ સાથેની અથડામણમાં કુખ્યાત ગુનેગાર જેપી યાદવ સહિત 3 આરોપીઓ ઠાર મરાયાં હતા. આ ત્રણે આરોપીઓ પેક્સ અધ્યક્ષ હત્યાકાંડમાં સંડોવાયેલા હતા. આ અથડામણમાં પોલીસ અધિકારી રજનીશ કુમાર પણ ઘાયલ થયાં હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ ઘટનાને પગલે મૃતક આરોપીઓના પરિવારજનોએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કરીને એકાઉન્ટર સામે સવાલો ઉઠાવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના પટના જિલ્લાના મનેર વિસ્તારમાં શેરપુર ગંગા ઘાટ પાસે પોલીસ અને કુખ્યાત અપરાધીઓ વચ્ચે ગોળીબાર ધાણીફુટ ગોળીબાર થયો હતો. પોલીસ ફાયરિંગની ઘટનામાં ત્રણ અપરાધીઓને ઠાર માર્યા છે. આ હુમલામાં મનેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રનીશ કુમાર પણ ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં પેક્સ અધ્યક્ષ હત્યાકાંડનો મુખ્ય આરોપી જેપી યાદવ અને તેના બે સહયોગી બબ્લુ તથા રાજા શર્માનો સમાવેશ થાય છે. આ ત્રણેય કુખ્યાત અપરાધીઓ પેક્સ અધ્યક્ષની હત્યાના કેસમાં વોન્ટેડ હતા. પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાની ગંભીરતા જોતાં પટના એસએસપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત, ફોરેન્સિક સાયન્સ લેબની ટીમ પણ સ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરવાની સાથે ગોળીબારના તથ્યોની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ત્રણેય આરોપીઓને જે હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા, ત્યાં તેમના પરિવારજનો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. પરિવારે પોલીસની આ કાર્યવાહી સામે ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસે બનાવટી એન્કાઉન્ટર કર્યું છે અને મૃતદેહો બતાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, જો પોલીસ ઇચ્છતી તો પગમાં ગોળી મારીને ઘાયલ કરી શકતી હતી, પરંતુ જાણી જોઈને હત્યા કરવામાં આવી છે. આ મામલે પરિવારજનોએ ન્યાયની ગુહાર લગાવી છે.
-
24થી વધુ રાઉન્ડ ફાયરિંગ
પટનાના એસએસપી કાર્તિકેય શર્માએ આ સમગ્ર ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, “અપરાધ નિયંત્રણ માટે બિહાર એસટીએફ અને પટના પોલીસ દ્વારા સતત વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુપ્ત બાતમીના આધારે આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.” એસએસપીના જણાવ્યા અનુસાર, અપરાધીઓએ પોલીસ ટીમ પર અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન એક ગોળી મનેર પોલીસ સ્ટેશનના પ્રભારીની વર્દીને સ્પર્શતી નીકળી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, અપરાધીઓ તરફથી પોલીસ પર 24થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે આત્મરક્ષામાં અને જવાબી કાર્યવાહીમાં ત્રણેય અપરાધીઓને ઠાર માર્યા છે. ઘટનાસ્થળેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તેઓ તાજેતરની હત્યાના કેસમાં પણ સંડોવાયેલા હતા. આ મામલે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવશે.





