નવી દિલ્હી, 6 નવેમ્બર 2026: દિલ્હી-એનસીઆરમાં સતત વ્યાપી રહેલા ઝેરી વાયુ પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને હાથ ધરેલી સુનાવણી દરમિયાન ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે ખેતરોમાં પરાલી બાળવાની ઘટનાઓ, વાહનો દ્વારા થતું પ્રદૂષણ અને ખેડૂતોને પરાલી કચરા નિકાલ માટે મળતી સુવિધાઓ જેવા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. આ પીઠમાં જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહના પણ સામેલ હતા. સુનાવણીની શરૂઆતમાં સીજેઆઈ સૂર્યકાંતે હળવા અંદાજમાં ટિપ્પણી કરી હતી કે, “અમને આશા છે કે આપ સૌ દિલ્હીના હવામાનનો આનંદ માણી રહ્યા હશો.” જેના જવાબમાં કેસમાં અદાલતના સહયોગી વરિષ્ઠ એડવોકેટ અપરાજિતા સિંહે દિલ્હીની ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપતા કહ્યું હતું કે, પ્રદૂષણનું સ્તર અત્યંત ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે અને તેના કારણે લોકોના અવાજ પર પણ અસર પડી રહી છે. હાલની સ્થિતિ એવી છે કે જાણે દરરોજ 30 સિગારેટ પી રહ્યા હોઈએ.
એમિકસ ક્યુરી અપરાજિતા સિંહે કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હીમાં તાજેતરમાં થયેલા વરસાદને કારણે પ્રદૂષણમાં સહેજ ઘટાડો નોંધાયો છે. 5 નવેમ્બરના આંકડા મુજબ દિલ્હીના પ્રદૂષણમાં પરાલી બાળવાનો ફાળો 14 ટકા જેટલો હતો. દિલ્હીમાં સ્થાનિક સ્તરે ટ્રાન્સપોર્ટ સૌથી મોટું પ્રદૂષક છે અને તેની સાથે પરાલીનો ધુમાડો ભળતા પરિસ્થિતિ વધુ વિપરીત બને છે. આ ઉપરાંત એનસીઆરમાં ઊર્જા અને કચરો સળગાવવાથી થતું પ્રદૂષણ પણ મુખ્ય કારણો છે. સુનાવણી દરમિયાન સીજેઆઈ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે અત્યારે ખેડૂતો આગામી પાકની વાવણી કરતા હોય છે, તેથી આ સમયે પરાલી સળગાવવાનું બંધ થવું જોઈએ. તેના જવાબમાં એમિકસ ક્યુરીએ રજૂઆત કરી હતી કે ખેડૂતોને માત્ર પરાલી વ્યવસ્થાપન માટે મશીનો આપવાથી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે. ઘણા નાના ખેડૂતો પાસે આ મશીનો ચલાવવા માટે બળતણ (ડીઝલ) ખરીદવાના પણ નાણાં નથી હોતા, સાથે જ નાના ખેતરોમાં આ મશીન વાપરવા મુશ્કેલ બને છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્ય બાગચી નોંધ્યું હતું કે તંત્ર દ્વારા ખેડૂતો પાસેથી એક ચોક્કસ ભાવે પરાલી ખરીદવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો.
-
અમીર વર્ગના વાહનોથી થતા પ્રદૂષણ પર CJIના સવાલ
સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. સીજેઆઈ સૂર્યકાંતે સવાલ ઉઠાવ્યો હતો કે, “શ્રીમંત વર્ગના લોકો પાસે રહેલા લક્ઝરી વાહનોથી થતા પ્રદૂષણને રોકવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?” અદાલતના આ સંકેતથી સ્પષ્ટ થાય છે કે દિલ્હી-એનસીઆરમાં હવા શુદ્ધ કરવા માટે પરાલી ઉપરાંત વાહન વ્યવહાર અને સ્થાનિક પ્રદૂષણના સ્રોતો પર કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે.








