નવી દિલ્હી, તા. 12 નવેમ્બર : આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં થતી વધઘટ વચ્ચે ખેડૂતોને રાહત આપવા કેન્દ્ર સરકારે રવિ સિઝન 2026-27 માટે ખાતર સબસિડીની નવી દરખાસ્તને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ફોસ્ફેટિક અને પોટાશિક (પી એન્ડ કે) ખાતરો માટે પોષણતત્ત્વ આધારિત સબસિડી (એનબીએસ) મંજૂર કરવામાં આવી હતી. આ માટે અંદાજે રૂ. 62,370.02 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગત રવિ સિઝન 2025-26માં આ સબસિડી માટે રુ. 37,952.29 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. તેની સરખામણીએ આ વખતે રુ. 24,417.73 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. નવી સબસિડીના દર 1 ઓક્ટોબર, 2026થી 31 માર્ચ, 2027 સુધી અમલમાં રહેશે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જણાવ્યું હતું કે ખેડૂતો સરકારની પ્રાથમિકતામાં હંમેશાં મોખરે રહ્યા છે. વૈશ્વિક સ્તરે પડકારજનક પરિસ્થિતિ હોવા છતાં ખેડૂતોને મુશ્કેલી ન પડે અને તેમને પોષણક્ષમ ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર પ્રયાસરત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધઘટની સીધી અસર ખેડૂતો પર ન પડે તે આ નિર્ણયનો મુખ્ય હેતુ છે. સરકારના આ નિર્ણયથી ડીએપી અને એનપીકેએસ સહિત પી એન્ડ કે ખાતરની કુલ 28 શ્રેણીઓ સબસિડીના લાભ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. વર્ષ 2010થી અમલમાં રહેલી એનબીએસ યોજના હેઠળ ખાતરમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર જેવા પોષકતત્ત્વોના આધારે સબસિડી નક્કી કરવામાં આવે છે. ખાતર ઉત્પાદકો અને આયાતકારો મારફતે ખેડૂતો સુધી આ ખાતર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ખાતર તથા તેના ઉત્પાદન માટે જરૂરી કાચા માલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખીને નવી સબસિડીના દર નક્કી કરવામાં આવ્યા છે. યુરિયા, ડીએપી, એમઓપી અને સલ્ફર સહિતના કાચા માલના ભાવમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને સરકારે આર્થિક જોગવાઈ કરી છે.








