Homeગુજરાતીગુજરાતગુજરાતમાં 14000થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, નવા 20 હજાર પ્લાન્ટ્સ પ્રગતિમાં

ગુજરાતમાં 14000થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, નવા 20 હજાર પ્લાન્ટ્સ પ્રગતિમાં

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 :  Over 14,000 biogas plants operational in Gujarat સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યમાં ‘ગોબરધન યોજના’ પશુપાલકો અને ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવી રહી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૩-૨૪થી અત્યાર સુધીમાં કુલ ૮૮ ક્લસ્ટરોમાં ૧૪ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ યોજનાને સતત અમલીકરણ સ્વરૂપે આગળ ધપાવીને રાજ્યમાં રૂ. ૨૫ કરોડના ખર્ચે વધુ ૨૦ હજાર વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે ગ્રામીણ સ્વચ્છતા, સ્વચ્છ ઊર્જા, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ અને સર્ક્યુલર ઇકોનોમીને નવી ઊંચાઈ મળશે. આમ, ગોબરધન યોજના એ ગ્રામીણ ગુજરાતના ‘ગ્રીન’ ફ્યુચર તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં રૂ. ૨૩,૭૩૧ કરોડના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ ‘GOBARdhan’ને મંજૂરી આપી હતી. ગુજરાતે આ યોજનાના અસરકારક અમલીકરણ માટે ખાસ ક્લસ્ટર મોડલ અપનાવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં ફેઝ-૧માં ૩૮ ક્લસ્ટર હેઠળ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), અમૂલ, બનાસ અને દૂધસાગર ડેરી જેવી નોડલ એજન્સીઓ મારફતે ૭,૪૨૩ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે ફેઝ-૨માં રાજ્ય સરકારના ૧૦૦ ટકા ફાળા હેઠળ ૫૦ ક્લસ્ટરમાં ૧૦ હજાર વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત GCMMF અને જિલ્લા દૂધ સંઘોના સંકલન સાથે અત્યાર સુધીમાં ૭૦ ટકા જેટલા એટલે કે ૭ હજાર જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે. આમ, બંને તબક્કામાં કુલ ૧૪ હજાર કરતાં વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ યોજના હેઠળ રાજ્યમાં ૨ ઘનમીટર ક્ષમતા ધરાવતા આધુનિક ફ્લેક્સી પ્રકારના બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા HDPE મટીરીયલથી બનેલા આ ડાયજેસ્ટરનું ઇન્સ્ટોલેશન ખૂબ જ સરળ અને જાળવણીનો ખર્ચ નહિવત રહે છે. આ પ્લાન્ટ સ્થાપવા માટે લાભાર્થીને બાયોગેસ કીટ સાથે બાયોડાયજેસ્ટર, જિયો ટેક્સસ્ટાઈલ શીટ, ગેસ પાઇપ, H₂S ફિલ્ટર, બે બર્નર ગેસ સ્ટવ, પ્રેશર રેગ્યુલેટર વાલ્વ અને લાઈટર જેવી સંપૂર્ણ સાધન-સામગ્રી પૂરી પાડવામાં આવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular