Homeગુજરાતીગુજરાતગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 14,925 સિકલસેલના દર્દીઓને 14 કરોડની તબીબી સહાય...

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 14,925 સિકલસેલના દર્દીઓને 14 કરોડની તબીબી સહાય અપાઈ

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 Medical assistance to 14,925 sickle cell patients રાજ્ય સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓના સર્વાંગી કલ્યાણ માટે સતત વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “મફત તબીબી સહાય યોજના” અંતર્ગત સિકલ સેલ એનિમિયાથી પીડિત દર્દીઓને સારવાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૬-૨૭માં કુલ ૧૪,૯૨૫થી વધુ દર્દીઓને રૂ. ૧૪.૫૭ કરોડથી વધુની વિનામૂલ્યે તબીબી સહાય પૂરી પાડીને તેમના આરોગ્ય રક્ષણનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.

સરકારે સિકલ સેલ એનિમિયા સામેની આ લડાઈને માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત ન રાખતા, સમગ્ર આદિજાતિ વિસ્તારમાં બહુમુખી આરોગ્ય પ્રયાસો હાથ ધર્યા છે. જે અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં વ્યાપક સ્ક્રીનિંગ અભિયાન ચલાવીને રોગનું વહેલું નિદાન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સાથે જ, પીડિત દર્દીઓને સાતત્યપૂર્ણ નિયમિત દવાઓ, ફોલો-અપ અને નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

ગ્રામીણ અને આંતરિયાળ વિસ્તારો સુધી આશા કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના સઘન સંકલનથી વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. સાથોસાથ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે ઉચ્ચ કક્ષાની સારવાર અને રિફરલ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત સિકલ સેલ એનિમિયાના સંપૂર્ણ ઉન્મૂલન માટે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મિશન સાથે સીધું સંકલન કરીને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી સ્વાસ્થ્ય અને કલ્યાણ પ્રત્યે પૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સિકલ સેલ એનિમિયાના અસરકારક નિયંત્રણ અને નાબૂદી માટે આરોગ્ય વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત અને સંકલિત પ્રયાસો આગામી સમયમાં પણ વધુ સઘન અને વ્યાપક રીતે ચાલુ રાખવામાં આવશે, તેમ આદિજાતિ વિકાસ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

સંબંધિત લેખો

Most Popular