Homeગુજરાતીએસ્ટ્રો સાયન્સવૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો: બ્લેક હોલની શક્તિશાળી જેટ્સ અટકાવે છે નવા તારાનું નિર્માણ

વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો: બ્લેક હોલની શક્તિશાળી જેટ્સ અટકાવે છે નવા તારાનું નિર્માણ

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર 2026: ખગોળશાસ્ત્રીઓએ એક નવી સંભવિત પદ્ધતિ શોધી કાઢી છે, જેના દ્વારા આકાશગંગા (ગેલેક્સી)ના કેન્દ્રમાં વિરાજમાન વિશાળ બ્લેક હોલ પોતાની આસપાસ ફેલાયેલા ગેસના જંગી ભંડારને અસર કરી શકે છે અને આ રીતે સમગ્ર આકાશગંગાના ભવિષ્યને નવો આકાર આપી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, બ્લેક હોલમાંથી નીકળતી અત્યંત શક્તિશાળી જેટ્સ ગેસને ગરમ અને સક્રિય કરી દે છે, જેનાથી નવા તારાઓના નિર્માણની પ્રક્રિયા અટકી જાય છે.

આકાશગંગાના તારાઓ અને ધૂળથી ભરેલા મુખ્ય ભાગની બહાર ગેસનો એક ખૂબ મોટો અને અત્યંત પાતળો (વિરળ) પટ્ટો ફેલાયેલો હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં ‘સર્કમગેલેક્ટિક મીડિયમ’ (CGM) કહેવામાં આવે છે. આ ગેસિય ક્ષેત્ર આકાશગંગામાં નવા તારાઓના નિર્માણ માટે જરૂરી બળતણ પૂરું પાડે છે અને તેનો ફેલાવો આકાશગંગાના મૂળ કદ કરતા 10 થી 20 ગણો વધારે હોઈ શકે છે.

જો CGMમાં રહેલો તમામ ગેસ ઠંડો થઈને એકસાથે જમા થવા લાગે અને તારાઓમાં બદલાવા લાગે, તો ખૂબ મોટી સંખ્યામાં તારાઓ ધરાવતી અત્યંત તેજસ્વી આકાશગંગાઓ બનવી જોઈએ. પરંતુ વાસ્તવિકતામાં આવી આકાશગંગાઓ જોવા મળતી નથી. વૈજ્ઞાનિકો લાંબા સમયથી માનતા હતા કે બ્લેક હોલમાંથી નીકળતી ઊર્જા ગેસને ઠંડો પડતાં રોકે છે, પરંતુ આ પ્રક્રિયા કઈ રીતે કામ કરે છે તે અંગે અત્યાર સુધી વૈજ્ઞાનિકોમાં એકમતી નહોતી.

  • ભારતીય અને અમેરિકી સંશોધકોનો મોટો ખુલાસો

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગહેઠળની સ્વાયત્ત સંસ્થા ‘રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ અને અમેરિકાની ‘એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી’ સહિતના વિવિધ સંસ્થાનના સંશોધકોએ આ કોયડો ઉકેલવા પ્રયાસ કર્યો છે. વૈજ્ઞાનિકોએ શોધ્યું કે બ્લેક હોલ સામાન્ય રીતે આસપાસના પદાર્થોને ગળી જવા માટે જાણીતા છે, પરંતુ તે અત્યંત ગરમ પ્લાઝ્માની જેટ્સ (પ્લાઝ્મા એટલે વીજભારિત કણોનો બનેલો ગરમ પદાર્થ) બહાર પણ ફેંકે છે. આ જેટ્સ જ્યારે CGM માં પહોંચે છે ત્યારે ત્યાંના ગેસ સાથે ટકરાય છે. આ ટક્કરથી ગેસમાં જંગી ઊર્જા ભળે છે અને તે ગરમ તથા અસ્થિર બની જાય છે. પરિણામે, આ ગેસ સહેલાઈથી ભેગો થઈને નવા તારાઓ બનાવવા માટે જરૂરી ઠંડા ગેસમાં બદલાઈ શકતો નથી.

  • જેટ્સની દિશામાં મળ્યા મજબૂત સંકેતો

સંશોધકોએ આકાશગંગાના તમામ ભાગોના આંકડા ચકાસ્યા ત્યારે કોઈ સ્પષ્ટ સંકેત મળ્યો નહોતો, પરંતુ જેટ્સની ચોક્કસ દિશામાં તપાસ કરતા મજબૂત સંકેતો મળ્યા હતા. તેનાથી સિદ્ધ થયું કે જેટ્સ દરેક દિશામાં એકસરખી અસર નથી કરતી, પરંતુ પોતાના માર્ગમાં આવતા ગેસને સૌથી વધુ પ્રભાવિત કરે છે.

  • આ સંકેતો મુખ્યત્વે બે જગ્યાએ સૌથી વધુ મજબૂત હતા:

1. આકાશગંગાના તારા ધરાવતા ક્ષેત્રની કિનારી પર, જ્યાં જેટ્સ પહેલીવાર CGM સાથે અથડાય છે.
2. CGMની બહારની સીમા પર, જ્યાં ધીમી પડેલી જેટ્સ ફરીથી ગેસ સાથે ટકરાય છે.

RRI ના એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ વિભાગના આસિસ્ટંત પ્રોફેસર અને આ સંશોધન પત્રના મુખ્ય લેખિકા નમ્રતા રોયના જણાવ્યા અનુસાર, “જેટ્સની દિશામાં મળેલા મજબૂત સંકેતો એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે બ્લેક હોલમાંથી નીકળતી જેટ્સ આસપાસના ગેસને એક ખાસ દિશામાં પ્રભાવિત કરે છે.” આ સંશોધન ‘ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સ’માં પ્રકાશિત થયું છે.

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને અભ્યાસના સહ-લેખિકા સંચયીતા બોરઠાકુરના જણાવ્યા અનુસાર, “આ સંશોધનનું વ્યાપક મહત્વ એ છે કે આકાશગંગાના અત્યંત નાના કેન્દ્રીય ક્ષેત્રમાં રહેલો બ્લેક હોલ તેનાથી હજારો પ્રકાશવર્ષ દૂર સુધી આખી આકાશગંગાના વિકાસ અને ભવિષ્યને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular