નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘મેક ઇન ઇન્ડિયા’અભિયાનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશની ઔદ્યોગિક ક્ષમતા અને ઉત્પાદન ક્ષેત્રે આવેલા ક્રાંતિકારી પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે, “ભારતમાં વધુ ઉત્પાદન, ભારતમાં વધુ રોકાણ, ભારતમાંથી વધુ નિકાસ. દરેક ક્ષેત્રમાં પરિવર્તન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે!”
25 સપ્ટેમ્બર 2014ના રોજ શરૂ કરવામાં આવેલી આ મહત્વકાંક્ષી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇનિંગ અને ઇનોવેશનનું વૈશ્વિક હબ બનાવવાનો હતો. આજે આ યોજના 27 મહત્વના ક્ષેત્રોમાં સક્રિય છે, જેમાં 15 મેન્યુફેક્ચરિંગ અને 12 સર્વિસ સેક્ટરનો સમાવેશ થાય છે.
‘મેક ઇન ઇન્ડિયા’ શરૂ થયા બાદ દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં લગભગ સાત ગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2014-15માં દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન રૂ. 1.9 લાખ કરોડ હતું, જે 2025-26માં વધીને રૂ. 13.11 લાખ કરોડ થઈ ગયું છે. સૌથી મોટો ચમત્કાર મોબાઇલ ફોન ઉત્પાદનમાં જોવા મળ્યો છે, જે આશરે 33 ગણું વધીને રૂ. 18,000 કરોડથી સીધું રૂ. 6.27 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. ઉત્પાદનની સંખ્યાની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે.
-
સંરક્ષણ (ડિફેન્સ) ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો
ભારતમાં બનેલા સંરક્ષણ ઉત્પાદનોનું મૂલ્ય 2014-15માં રૂ. 46,429 કરોડ હતું. નાણાકીય વર્ષ 2025-26માં આ આંકડો વધીને રૂ. 1.78 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે આયાત ઘટી છે અને નિકાસમાં અભૂતપૂર્વ વધારો થયો છે.
-
ઓટોમોબાઇલ અને ફાર્મા ક્ષેત્રનો મજબૂત દબદબો
સરકારી આંકડાઓ અનુસાર, 2024-25માં દેશમાં વાહનોનું ઉત્પાદન 31.03 મિલિયન યુનિટ સુધી પહોંચી ગયું હતું, જે 2014-15ની સરખામણીએ 33 ટકા વધુ છે.
બીજી તરફ, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ આજે જથ્થા (વોલ્યુમ)ની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા અને મૂલ્ય (વેલ્યુ)ની દ્રષ્ટિએ 11મા સ્થાને છે. 2024-25માં તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 4,71,898 કરોડ સુધી પહોંચી ગયું છે. મેડિકલ ડિવાઇસના સ્થાનિક ઉત્પાદનમાં પણ 48.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જે 2019-20માં રૂ. 28,000 કરોડથી વધીને 2024-25માં રૂ. 41,500 કરોડ થઈ ગઈ છે.
વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર, ‘મેક ઇન ઇન્ડિયા’એ માત્ર સ્થાનિક ઉત્પાદનને જ નવી ઊંચાઈઓ આપી નથી, પરંતુ ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર તરીકે પણ સ્થાપિત કર્યું છે.


