ન્યૂયોર્ક, 25 સપ્ટેમ્બર 2026: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ખાતે વિશ્વના નેતાઓને આક્રમક શૈલીમાં સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે ગાઝામાં ઇઝરાયેલ પર લાગેલા નરસંહારના આરોપોને ‘સદીનું સૌથી મોટું જૂઠ’ ગણાવીને ફગાવી દીધા હતા. આ સાથે જ તેમણે ઈરાન સામે યુદ્ધ છેડવાના અને તેના પર હુમલા કરવાના ઇઝરાયેલના અધિકારનો મજબૂત બચાવ કરતા કહ્યું હતું કે, આ ઈસ્લામિક દેશ પર હુમલો કરવાનો નિર્ણય તેમના દ્વારા લેવાયેલા સૌથી સરળ નિર્ણયોમાંથી એક હતો.
નેતન્યાહૂ જેવા જ મંચ તરફ આગળ વધ્યા કે તુરંત જ સભાખંડમાં તેમના સમર્થન અને વિરોધમાં નારેબાજી શરૂ થઈ ગઈ હતી. ફિલિસ્તીની મિશનની અપીલ પર મોટી સંખ્યામાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ હોલ છોડીને એકસાથે બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટાભાગની બેઠકો ખાલી જોવા મળી હતી. હોલમાં સ્થિતિ વણસતા મહાસભાના અધ્યક્ષ ખલીલ ઉર રહેમાને વારંવાર સભાખંડમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાની અપીલ કરવી પડી હતી.
બહાર નીકળી રહેલા પ્રતિનિધિઓ પર કટાક્ષ કરતા નેતન્યાહૂએ તેમને ‘નૈતિક રીતે કાયર’ ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, “ઇઝરાયેલ પોતાનું રક્ષણ કરવાની સાથે એવા દેશોનું પણ રક્ષણ કરી રહ્યું છે જેના પ્રતિનિધિઓ અત્યારે બહાર ચાલ્યા ગયા છે. હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આમાંથી ઘણા દેશોના નેતાઓ ઈરાનના પરમાણુ મથકોને નષ્ટ કરવા બદલ ખાનગીમાં અમારો આભાર માને છે.”
-
ન્યૂયોર્કના મેયર મમદાની પર તીખા પ્રહારો
પોતાના ભાષણ દરમિયાન નેતન્યાહૂએ ન્યૂયોર્કના મેયર મમદાની પર પણ સીધા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “મિસ્ટર મમદાની, તમે મને અહીં આવતા રોકવાનો પ્રયાસ કર્યો. તમે મારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તમે મારો અવાજ કે સત્યને દબાવી શકશો નહીં. તમે મેયર બન્યા ત્યારથી ન્યૂયોર્કમાં ઘણા યહૂદીઓ હવે સુરક્ષિત અનુભવતા નથી. તેઓ મને કહે છે કે આ તે શહેર નથી જેને તેઓ ઓળખતા હતા, તે ખૂબ ઝડપથી બદલાઈ ગયું છે.”
હમાસને સમર્થન આપનારાઓ સાથે મેયરના સંબંધો પર સવાલ ઉઠાવતા નેતન્યાહૂએ આરોપ લગાવ્યો કે, “તમે હમાસના સમર્થકો અને ગુનેગારોની પ્રશંસા કરો છો. તમે હસન પીકર જેવા લોકોને પોતાના મિત્ર માનો છો, જેણે કહ્યું હતું કે અમેરિકા 9/11 હુમલાને લાયક હતું. તમારી પત્નીએ 7 ઓક્ટોબરના નરસંહારની પ્રશંસા કરતી અને તેલ અવીવનું અસ્તિત્વ ના હોવું જોઈએ તેવી સોશિયલ મીડિયા પોસ્ટ લાઇક કરી હતી. તમે આમાંથી કોઈ બાબતની નિંદા કરવાનો ઇનકાર કરો છો.”
નેતન્યાહૂએ મેયર પર ફિલિસ્તીની પત્રકારને ઘરે બોલાવવાનો અને આતંકીઓને બચાવવામાં મદદ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે અંતમાં ભારપૂર્વક કહ્યું કે, “સત્ય એ છે કે ઇઝરાયેલે ગાઝામાં કોઈ નરસંહાર કર્યો નથી, પરંતુ ઇઝરાયેલે નરસંહારને રોકવાનું કામ કર્યું છે.”


