ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 : A significant initiative towards making Gujarat a leading hub for semiconductor design. ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતનું અગ્રણી સ્થાન વધુ મજબૂત બને તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી માર્ગદર્શનમાં તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC), બેંગલુરુના સહયોગથી આજે પ્રસ્તાવિત ChipIN એક્સ્ટેન્શન સેન્ટર તથા VLSI ડિઝાઇન માટેના સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE) માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ અને કિક-ઓફ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રીમતી નેહા કુમારી, IAS, મિશન ડિરેક્ટર, GSEM સહિત પ્રતિષ્ઠિત શિક્ષણવિદો, સંશોધકો, ઉદ્યોગ અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
C-DAC બેંગલુરુના નિષ્ણાતોએ રાષ્ટ્રીય ChipIN પહેલ તથા તેના માધ્યમથી ઉપલબ્ધ અદ્યતન સેમિકન્ડક્ટર ડિઝાઇન સુવિધાઓ અંગે માહિતી આપી હતી. આ સુવિધાઓમાં Electronic Design Automation (EDA) ટૂલ્સ, High Performance Computing (HPC) સંસાધનો, સેમિકન્ડક્ટર IPs અને Tape-out Support જેવી અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ગુજરાતની 30થી વધુ શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. સંસ્થાઓને સેમિકન્ડક્ટર સંશોધન, ચિપ ડિઝાઇન, નવીનતા, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને કુશળ માનવબળના વિકાસ માટે ChipIN પ્લેટફોર્મનો લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાતને સેમિકન્ડક્ટર ડિઝાઇનનું અગ્રણી હબ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. પ્રસ્તાવિત ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને VLSI માટેનું CoE ગુજરાતમાં અદ્યતન સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓ વિકસાવવા માટે મહત્વપૂર્ણ માળખાકીય પહેલ બનશે. આ સેન્ટર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.


