જામનગર, 3 જુલાઈ, 2026 : Laborer mother and son die due to electrocution જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં કામ કરી રહેલા શ્રમિક પરિવારના માતા અને પુત્રનું અચાનક વીજકરંટ લાગવાના કારણે મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે સાંજના સમયે આ દુઃખદ બનાવ બનતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. બન્ને માતા-પૂત્રને બેભાન હાલતમાં ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.જ્યાં તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, જોડિયા તાલુકાના ટીંબડી ગામમાં રહેતા અને ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય ગીતાબહેન નાયક અને તેના પુત્ર રાજેશ નાયક વાડી વિસ્તારમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તે વીજકરંટની ઝપેટમાં આવી ગયા હતા. બંને હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ ઘટનાસ્થળે બેભાન થઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક બંન્નેને બેભાન અવસ્થામાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ધ્રોલની સરકારી હોસ્પિટલના ફરજ પરના તબીબોએ માતા-પુત્રની તબીબી તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. એકસાથે માતા અને પુત્રના આકસ્મિક મોતના સમાચાર મળતા જ પરિવાર ભાંગી પડ્યો હતો અને હોસ્પિટલ પરિસરમાં જ આક્રંદ છવાઈ ગયું હતું.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ જોડિયા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે અને ત્યારબાદ ધ્રોલની હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી સમગ્ર બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


