ભૂજ, 3 જુલાઈ, 2026 : 45 private schools to be closed due to only 15 students જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી 45 જેટલી ખાનગી શાળાઓ એવી છે કે, શાળામાં માત્ર 15 વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ન હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી. શાળા સંચાલકોનું હીયરિંગ હાથ ધરાયા બાદ શાળાઓ કાયમી ધોરણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લાના શહેરી વિસ્તારોની સાથોસાથ હવે ગ્રામ્ય પંથકોમાં પણ ખાનગી શાળાઓનો વ્યાપ મોટા પ્રમાણમાં વધ્યો છે. જોકે, આ વ્યાપ વચ્ચે જિલ્લાની 45 એવી ખાનગી શાળાઓ છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ અલ્પ છે. આ શાળાઓમાં 15 થી પણ ઓછા વિદ્યાર્થીઓ હોવાના કારણે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લાની 23 માધ્યમિક અને 22 પ્રાથમિક ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 0 થી 15 જેટલી જ નોંધાઈ છે. આ શૂન્ય અને નહિવત્ પરિણામલક્ષી સંખ્યાના કારણે શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંબંધિત શાળા સંચાલકોને સત્તાવાર નોટિસ પાઠવાઈ હતી.
આ નોટિસના અનુસંધાને તમામ સંચાલકોને રૂબરૂ બોલાવી સુનાવણી હાથ ધરાઈ હતી અને આ બાબતે વહીવટી ખુલાસા માંગવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને 15 દિવસમાં શાળા બંધ કરવા માટેની સત્તાવાર દરખાસ્ત રજૂ કરવા જણાવાયું છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં સંચાલકો દ્વારા દરખાસ્ત કરવામાં નહીં આવે, તો શિક્ષણ વિભાગ દ્વારા એકતરફી નિર્ણય લઈને ઠરાવ કરવામાં આવશે. આ અંતર્ગત 23 માધ્યમિક શાળાઓને બંધ કરવા માધ્યમિક બોર્ડને દરખાસ્ત મોકલાશે, જ્યારે 22 પ્રાથમિક ખાનગી શાળાઓને બંધ કરવાની સત્તાવાર દરખાસ્ત નિયામક પ્રાથમિક શિક્ષણ વિભાગને કરાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓના ભૌતિક માળખા અને શિક્ષણની ગુણવત્તામાં વ્યાપક સુધારાઓ થતા સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક પ્રયોગશાળાઓ અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકોની ઉપલબ્ધતાના કારણે હવે સરકારી શાળાઓ ખાનગી શાળાઓની સમકક્ષ કે તેનાથી પણ બહેતર સાબિત થઈ રહી છે. જિલ્લામાં દર વર્ષે 5,000 થી લઈને 7,000 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં પોતાનો અભ્યાસ છોડીને સરકારી શાળાઓમાં એડમિશન મેળવી રહ્યા છે.


