Site icon Revoi.in

હેર ફોલથી છુટકારો મેળવવા માટે અજમાવો મેથીના આ જાદુઈ નુસ્ખા

Social Share

આજની ભાગદોડભરી જિંદગી, પ્રદૂષણ, ખરાબ ખાનપાન અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે વાળ ખરવાએ એક સાર્વત્રિક સમસ્યા બની ગઈ છે. લોકો વાળની ગ્રોથ વધારવા માટે હજારો રૂપિયા ખર્ચે છે, છતાં ધાર્યું પરિણામ મળતું નથી. જોકે, તમારા રસોડામાં રહેલા મેથીના દાણા વાળની દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. મેથીના દાણામાં રહેલા કુદરતી તત્વો વાળના મૂળને મજબૂત કરી કુદરતી ચમક આપે છે.

મેથીના દાણામાં નિકોટિનિક એસિડ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે વાળના મૂળને પોષણ આપે છે. તે સ્કેલ્પની શુષ્કતા દૂર કરી ખંજવાળ અને ખોડામાં રાહત આપે છે. મેથીના ઉપયોગથી વાળ રેશમી અને ચમકદાર બને છે. તે વાળને મૂળમાંથી મજબૂત કરી તેનું તૂટવું અટકાવે છે.

મેથી અને નાળિયેર તેલનું મિશ્રણઃ અડધો કપ નાળિયેર તેલને ધીમી આંચ પર ગરમ કરો અને તેમાં 2 મોટી ચમચી મેથીના દાણા નાખો. જ્યારે દાણાનો રંગ બદલાય ત્યારે ગેસ બંધ કરી તેલને ઠંડુ થવા દો. આ તેલને ગાળીને સ્કેલ્પ પર લગાવો અને 2-3 કલાક બાદ વાળ ધોઈ લો. આ તેલ વાળના ગ્રોથ માટે શ્રેષ્ઠ છે.

પોષણથી ભરપૂર મેથી: દહીં હેર માસ્કઃ એક મોટી ચમચી મેથીનો પાવડર અને 4 ચમચી દહીં મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો. આ માસ્કને મૂળથી છેડા સુધી લગાવો અને અડધા કલાક બાદ હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો. દહીં અને મેથીનું મિશ્રણ વાળને કન્ડિશનિંગ કરી રુક્ષતા દૂર કરે છે.

મેથીના દાણાનું પાણી (હેર સ્પ્રે): બે ચમચી મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો. વાળ ધોયા પછી અથવા કોરા વાળમાં સ્કેલ્પ પર આ પાણીનો સ્પ્રે કરો. આ પાણી વાળના મૂળ સુધી પહોંચીને તેને અંદરથી પોષણ આપે છે.

મેથીના આ ઉપચારોની સાથે પૂરતું પાણી પીવું, પ્રોટીનયુક્ત આહાર લેવો અને તણાવથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે. જો તમે નિયમિતપણે આ ઘરેલું નુસ્ખાઓ અપનાવશો, તો ગણતરીના દિવસોમાં જ વાળમાં ફરક જોવા મળશે.

આ પણ વાંચોઃ રાજસ્થાનથી યુવતીને પ્રમેજાળમાં ફસાવી 20 દિવસ ગોંધી રાખી દૂષ્કર્મ કર્યું, બેની ધરપકડ

Exit mobile version