Site icon Revoi.in

ગાંધીનગરમાં મનપાની બે કર્મચારી યુવતીઓનો કેનાલમાં કૂદીને આપઘાત કર્યો: સુઘડ પાસેથી મૃતદેહો મળ્યા

Social Share

ગાંધીનગર, 7 માર્ચ 2026: રાજ્યના પાટનગરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે આશાસ્પદ યુવતીઓએ મોડી રાત્રે સુઘડ કેનાલમાં ઝંપલાવીને સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફાયર વિભાગની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને યુવતીઓએ આપઘાત કરતા પહેલા પરિજનોને ફોન કરીને જાણ કરી હોવાનું બહાર આવ્યું છે.

મળતી વિગતો મુજબ, મૃતક યુવતીઓની ઓળખ 26 વર્ષીય સેજલ જશવંતભાઈ પટેલ (રહે. નરોડા, અમદાવાદ) અને 24 વર્ષીય રિપલ રાકેશભાઈ રાવત (રહે. થલતેજ, અમદાવાદ) તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને યુવતીઓ તાજેતરમાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં નોકરીએ લાગી હતી. જેમાંથી સેજલ વ્યવસાયવેરા વિભાગમાં અને રિપલ મહેકમ શાખામાં ફરજ બજાવતી હતી.

ગઈકાલે રાત્રે બંને યુવતીઓએ અચાનક જ પોતાના પરિવારજનોને ફોન કર્યો હતો અને પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તુરંત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અંધારામાં કલાકોની શોધખોળ બાદ બંનેના મૃતદેહ સુઘડ કેનાલમાંથી મળી આવ્યા હતા.

પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કે મૃતકો પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, જેના કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. શું ઓફિસનું કામનું ભારણ હતું કે અન્ય કોઈ અંગત કારણ, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ અને બંને યુવતીઓના મોબાઈલ લોકેશન તથા કોલ ડિટેલ્સના આધારે પોલીસ આત્મહત્યાના રહસ્ય પરથી પડદો ઉઠાવવા પ્રયાસ કરશે.

આ પણ વાંચોઃ ઈરાનના પૂર્વ વિદેશ મંત્રીના ખાનગી મેસેજ લીક: અમેરિકા, ઈઝરાયેલ અને UAE પર હુમલાની ભલામણથી ચકચાર

Exit mobile version