Site icon Revoi.in

યુદ્ધ જીતવા માટે દેશમાં એકતા અને લોકોનો સેના પરનો વિશ્વાસ સૌથી મોટું હથિયાર: આર્મી ચીફ

Social Share

નવી દિલ્હી, 30 મે 2026: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પુણે ખાતે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) ની 150મી પાસિંગ આઉટ પરેડ બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા અને સજ્જતા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં દુશ્મનાવટ અટકી ગઈ હોવા છતાં, ત્રણેય સેવાઓ (આર્મી, નેવી અને એરફોર્સ) ‘ઓપરેશન સિંદૂર 2.0’ જેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હાઈ-લેવલની તૈયારીઓ કરી રહી છે.

જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ હજુ ચાલુ છે. ભલે અત્યારે શાંતિ છે, પરંતુ ભવિષ્યમાં જો સ્થિતિ વધુ ગંભીર બને અને જરૂર પડે, તો સશસ્ત્ર દળો ‘ઓપરેશન સિંદૂર 2.0’ માટે સંપૂર્ણ તૈયાર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અત્યારે આર્મીનું મુખ્ય ધ્યાન ત્રણેય પાંખ વચ્ચે વધુ સારું સંકલન સાધવા અને આગામી પેઢીના યુદ્ધ માટે પોતાને તૈયાર કરવાનું છે.

આર્મી ચીફે ચેતવણી આપતા જણાવ્યું કે હવે યુદ્ધ માત્ર જમીન, સમુદ્ર કે આકાશ સુધી મર્યાદિત નથી. ભવિષ્યના સંઘર્ષોમાં સ્પેસ (અવકાશ), સાયબર અને કોગ્નિટિવ વોરફેર (માનસિક યુદ્ધ) સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. ટેક્નોલોજીના યુગમાં યુદ્ધના મેદાન હવે ખૂબ જ ‘પારદર્શક’ બની ગયા છે, જ્યાં દરેક હિલચાલ પર દુશ્મન નજર રાખી શકે છે. તેથી, સરહદ પર સૈનિકો અને નાગરિકોની સુરક્ષા માટે આપણે અત્યંત સતર્ક રહેવાની જરૂર છે.

જનરલ દ્વિવેદીએ ભારપૂર્વક કહ્યું કે, “વિજય હંમેશા મન અને વિચારમાં મળે છે, મેદાન પર નહીં.” તેમણે ઉમેર્યું કે યુદ્ધ જીતવા માટે દેશમાં એકતા અને લોકોનો સેના પરનો વિશ્વાસ સૌથી મોટું હથિયાર છે. જો દેશના લોકો એકબીજા પર અને સુરક્ષા એજન્સીઓ પર વિશ્વાસ રાખે, તો ભારતને કોઈ હરાવી શકતું નથી.

Exit mobile version