Site icon Revoi.in

અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટુ વેપારી ભાગીદાર, બંને દેશ વચ્ચે 128.55 બિલિયન ડોલરનો વેપાર

Social Share

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2022-23માં ભારતના સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે અમેરિકા ઉભરી આવ્યું છે. બંને દેશ છેલ્લા કેટલાક સમયમાં સંબંધો વધારે મજબુત બન્યાં છે, જેના પરિણામે બંને દેશ વચ્ચે વેપારમાં વધારો થયાનું એક્ષપર્ટ માની રહ્યાં છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ભારત અને યુએસ વચ્ચેનો વેપાર નાણાકીય વર્ષ 2022-23માં 7.65 ટકા વધીને 128.55 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે, જ્યારે  2020-21માં તે 80.51 બિલિયન ડોલર અને 2021-22માં 119.5 બિલિયન ડોલર હતો.,

મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં યુએસમાં ભારતની નિકાસ 2.81 ટકા વધીને 78.31 અબજ ડોલર થઈ છે, જે 2021-22માં 76.18 અબજ ડોલર હતી. તે જ સમયે, આયાત 16 ટકા વધીને 50.24 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. 2022-23માં અમેરિકા સાથે ભારતનો વેપાર સરપ્લસ 28 બિલિયન ડોલર રહ્યો છે. બીજી તરફ 2022-23માં ભારત અને ચીન વચ્ચેના વેપારમાં ઘટાડો નોંધાયો છે. બંને દેશ વચ્ચે વેપાર 1.5 ટકા ઘટીને 113.83 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે, જ્યારે 2021-22માં આ આંકડો 115.42 બિલિયન ડોલર હતો.  2021-22ની સરખામણીમાં 2022-23માં ભારતની ચીનમાં નિકાસ 28 ટકા ઘટીને 15.32 અબજ ડોલર થઈ છે. તે જ સમયે, આયાત 4.16 ટકા વધીને 98.51 બિલિયન ડોલર થઈ ગઈ છે. ચીન સાથે ભારતની વેપાર ખાધ 2022-23માં વધીને 83.2 બિલિયન ડોલર થઈ ગઈ છે, જે 2021-22માં 72.91 બિલિયન ડોલર હતી.

2013-14થી 2017-18 સુધી અને 2020-21માં ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હતું. ચીન પહેલા ભારતના ટ્રેડિંગ પાર્ટનરની યાદીમાં UAEનું નામ ટોચ પર હતું. 2022-23માં UAE 76.16 બિલિયન ડોલર સાથે ત્રીજા નંબરનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હતું, સાઉદી અરેબિયા 52.72 બિલિયન ડોલર સાથે ચોથા અને સિંગાપોર 35.55 બિલિયન ડોલર સાથે પાંચમું હતું.