Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

Social Share

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર યુવક શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે FIR નોંધી છે અને તેની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. વાયરલ વીડિયોના આધારે સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે પ્રયાગરાજના ગંગાનગરના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506 અને આઈટી એક્ટની કલમ 66 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે દિલ્હી સુધી તપાસ લંબાવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપી શમીમ ઉર્ફે બબલુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં શમીમ કહેતો જોવા મળ્યો હતો કે જો યોગી તેના ઘર પર બુલડોઝર ચલાવવાની હિંમત કરશે તો તે તેને બકરીની જેમ કત્લ કરી દેશે. વીડિયોમાં આરોપી યુવક સીએમ યોગીને પડકાર ફેંકતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આરોપી શમીમ પ્રયાગરાજના લાલ ગોપાલગંજ શહેરના ઈમામગંજ વિસ્તારનો રહેવાસી છે. આરોપી યુવક હાલ દિલ્હીમાં રહે છે. તેની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ મોકલવામાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ આ મામલામાં આઈપીસીની કલમ 506 અને આઈટી એક્ટની કલમ 66 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પોતાના પ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે અભિયાન શરૂ કર્યું છે. એટલું જ નહીં ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.