Site icon Revoi.in

ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તરપ્રદેશ પોલીસે સાબરમતી જેલમાંથી અતિક અહેમદની કસ્ટડી મેળવી

Social Share

અમદાવાદઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદની મુશ્કેલીઓ વધી છે. ઉત્તરપ્રદેશની પોલીસની ટીમ ફરી એકવાર ગુજરાત આવી છે, તેમજ સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ અતિક અહેમદની કસ્ટડી મેળવી હોવાનું જાણવા મળે છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની કસ્ટડી મેળવી હોવાનું જાણવા મળે છે. અતિક અહેમદને બાય રોડ ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવશે. ઉત્તરપ્રદેશ પોલીસે અતિકની કસ્ટડી મેળવ્યા પહેલા તેની પૂછપરછ પણ કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રયાગરાજમાં ઉમેશ પાલની સરાજાહેર ગોળીમારીને હત્યા કરવાના ચકચારી બનાવમાં અતિક અહેમદની સંડોવણી ખુલી હતી. દરમિયાન તાજેતરમાં જ અતિક અહેમદને ઉમેશ પાલ અપહરણ કેસમાં ઉત્તરપ્રદેશની કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી. જે બાદ તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને સાબરમતી જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. હાઈ સિક્યુરિટી બેરેકમાંથી અતિકને 200 ખોલી બેરેકમાં મુકવામાં આવ્યો હતો. 200 ખોલી પણ હાઇ સિક્યુરિટી બેરેકમાં આવે છે. દરમિયાન આજે સવારે ઉત્તરપ્રદેશની પોલીસની ટીમ અમદાવાદ આવી હતી અને સાબરમતી જેલ ગઈ હતી. જ્યાં તેની કસ્ટડી મેળવવા માટે ઉત્તરપ્રદેશ પોલીસે કવાયત શરૂ કરી હતી. તેમજ અતિક અહેમદની ઉત્તરપ્રદેશ પોલીસની ટીમે કસ્ટડી મેળવીને લઈ રવાના થઈ હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ સાબરમતી જેલમાં ઉત્તરપ્રદેશ પોલીસે અતિક અહેમદની પૂછપરછ કરી હોવાનું જાણવા મળે છે.