કારાકાસ, 4 જુલાઈ 2026: વેનેઝુએલાના વિદેશ મંત્રી ઇવાન ગિલે આજે ભારતના ‘ઓપરેશન અમિસ્તાર’ હેઠળ દેશમાં સ્થાપિત કરવામાં આવેલી ફીલ્ડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ તબીબી સેવાઓની દિલથી પ્રશંસા કરી હતી. આપત્તિના આ સમયમાં મદદનો હાથ લંબાવવા બદલ તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
મુલાકાતના અંતે જારી કરેલા એક પ્રેસ નિવેદનમાં વિદેશ મંત્રી ઇવાન ગિલે જણાવ્યું હતું કે, વેનેઝુએલામાં ભારતના રાજદૂત પી.કે. અશોક બાબુ સાથે તેમણે આ હોસ્પિટલમાં એકતા અને સેવાનું અદભુત પ્રદર્શન જોયું છે. મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની પડખે ઊભા રહેવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમે ભારત સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ ફીલ્ડ હોસ્પિટલની મુલાકાત લીધી છે, જે અમારી મિત્ર અને ભાઈચારા વાળી સરકાર છે. વેનેઝુએલામાં ભારતના રાજદૂત અશોક બાબુ, અહીંના ઓપરેશનના પ્રભારી કમાન્ડર, રાષ્ટ્રીય હિપ્પોડ્રોમ સંસ્થાના ડિરેક્ટર અને પ્રમુખ જુલિયો લિયોન પણ અહીં હાજર છે, જેઓ આ હોસ્પિટલની સ્થાપના માટે પોતાની સેવાઓ આપી રહ્યા છે.”*
-
દરરોજ 400 લોકોની થઈ રહી છે મફત સારવાર
વિદેશ મંત્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, આ ફીલ્ડ હોસ્પિટલમાં દરરોજ 400 જેટલા લોકોને વિવિધ પ્રકારની તબીબી સહાય આપવામાં આવી રહી છે. ભૂકંપના કારણે ઘાયલ થયેલા, ફ્રેક્ચર અને હેમેટોમા (લોહી ગંઠાઈ જવું) જેવી સમસ્યાઓથી પીડાતા લોકોની અહીં સારવાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દર્દીઓને ડેન્ટલ કેર (દંત ચિકિત્સા), એક્સ-રે અને નાની સર્જરી જેવી સુવિધાઓ પણ મળી રહી છે. તેમણે એવા બચાવકર્મીઓ (રેસ્ક્યુઅર્સ) પર પણ વિશેષ ધ્યાન આપ્યું હતું જેઓ અન્ય નાગરિકોના જીવ બચાવતી વખતે પોતે ઘાયલ થયા હતા અને અહીં સારવાર લઈ રહ્યા છે.
ઇવાન ગિલે ઉમેર્યું કે, “હું ભારત સરકાર અને તેમના વડાપ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું. અમે તાજેતરમાં જ ભારતની મુલાકાત લીધી હતી. અહીં ભારત અને વેનેઝુએલા વચ્ચેના સાચા ભાઈચારાનું ઉદાહરણ જોવા મળ્યું છે. આ એવા લોકોનો ભાઈચારો છે જેઓ વેનેઝુએલાના લોકોની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે અને દુઃખની આ ઘડીમાં અમારી સાથે મજબૂતીથી ઊભા છે.”

