Site icon Revoi.in

યુદ્ધના પગલે ઈરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ખતરો

Social Share

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે હજારો ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહ્યા છે. ઇરાનમાં મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું લઈને ગયેલા આશરે 3 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અત્યારે અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં યુદ્ધના કારણે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ત્રણ-ત્રણ વાર પ્રભાવિત થયો છે. હવે સ્થિતિ એવી છે કે, વિદ્યાર્થીઓને ઇરાન પાછા જઈને મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી, જેના કારણે તેઓ હવે ભારત સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે.

ઇરાનમાં જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશનના સંયોજક અને કેરમેન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના વિદ્યાર્થી ફૈઝાન નબીએ જણાવ્યું હતું કે, યુદ્ધના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. જોકે હવે સીઝફાયર (યુદ્ધવિરામ)ની વાતો થઈ રહી છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ ડગી ગયો છે. જૂન 2025 થી અત્યાર સુધીમાં ત્રણ વખત અભ્યાસમાં અડચણો આવી છે. ફેબ્રુઆરીમાં જ્યારે પ્રથમ એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી, ત્યારે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા અધવચ્ચે છોડીને ભારત પરત ફર્યા હતા.

વિદ્યાર્થીઓની મુશ્કેલી એ છે કે એપ્રિલમાં નવું સેમેસ્ટર શરૂ થવાનું હતું, પરંતુ જૂની પરીક્ષાઓ જ લેવાઈ શકી નથી. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ ભારતમાં હતા તેઓ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ક્લાસ ભરી શકતા હતા, પરંતુ હવે ઇરાનમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવતા ઓનલાઇન શિક્ષણ પણ બંધ થઈ ગયું છે.

જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય સંયોજક નાસિર ખુએહામીએ જણાવ્યું હતું કે, ઇરાનમાં ક્યારે શું થશે તે કહેવું મુશ્કેલ છે. ભલે સીઝફાયર થયું હોય, પરંતુ વાલીઓમાં એટલો ડર છે કે તેઓ પોતાના બાળકોને ફરીથી ઇરાન મોકલવા તૈયાર નથી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની માંગ છે કે ભારત સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે અને તેમને ઇરાનને બદલે અન્ય કોઈ સુરક્ષિત દેશમાં પોતાની મેડિકલની બાકીની ભણતર પૂર્ણ કરવાની મંજૂરી અપાવે.

Exit mobile version