Site icon Revoi.in

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમઃ પોલીસે યાત્રાના રૂટ્સનું નિરિક્ષણ કર્યું

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ગયા વર્ષે કોરોનાને કારણે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજી શકાઈ ન હતી. પણ આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા અષાઢી બીજે રથયાત્રા નિકળશે એવું ભાવિકોનું માનવુ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જમાલપુર જગદીશ મંદિરનાં બંધ દ્વાર પણ શુક્રવારથી ખૂલી જતા ભગવાન જગન્નાથના દર્શન માટેનો દોર તો શરૂ થશે જ, પરંતુ જગદીશ મંદિરેથી દર અષાઢી બીજે નીકળતી રથયાત્રા આ વર્ષે પણ આગામી તા.12મી જુલાઈને અષાઢી બીજના દિવસે નીકળશે તેવી લાખો ધર્મપ્રેમીઓના હૃદયમાં આશા બંધાઈ છે

સૂત્રોના જણાવ્યા મુજબ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને જળાભિષેક કરવાની વિધિ માટે સાબરમતી નદીમાંથી જળ લાવવા માટે આગામી તા.24મી જૂનના રોજ જગદીશ મંદિરથી જળયાત્રા માટે તૈયારીઓને આખરીરૂપ આપવામાં આવી રહ્યું છે. જેની બીજી તરફ શહેર ટ્રાફિક પોલીસની ટીમોએ પણ રથયાત્રા મંદિરથી શહેરના વિવિધ ભાગોમાંથી પસાર થયા છે તે રૂટો પર બંદોબસ્ત ગોઠવવાની પ્રક્રિયા માટે રાઉન્ડ લેવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ હજી પૂરેપૂરી નિયંત્રિત ન થતા શહેરના જમાલપુર સ્થિત જગદીશ મંદિરેથી પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે પરંપરાગત નીકળતી 144મી રથયાત્રા આ વર્ષે આગામી તા. 12મી જુલાઈને અષાઢી બીજના દિવસે નીકળશે કે કેમ ? એ પ્રશ્ને ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.  સૂત્રોના મતે આગામી 24મી જૂને જળયાત્રાની મંજૂરી મળશે કે કેમ તેની સાથે જ રથયાત્રાનો આખરી નિર્ણય લેવાશે.

ગત 2020ના વર્ષમાં પણ શહેરમાં કોરોના બેકાબૂ બન્યો હોવાથી શહેર પોલીસે મંજૂરી ન આપતા અષાઢી બીજના દિવસે જગદીશ મંદિરેથી રથયાત્રા શહેરની પરિકમ્માએ નીકળી ન હતી અને રથયાત્રાના ત્રણ રથ ભગવાન કૃષ્ણ કહો કે, જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ મંદિરના પ્રાંગણમાં જ રાખવામાં આવ્યા હતા. આમ છતાં દર્શન માટે ભારે ભીડ ઊમટી પડી હતી પરિણામે કોરોનાની ગાઇડલાઇન બાજુ પર હડસેલાઈ ગઈ હતી અને તે ભારે વિવાદ પણ સર્જાયો હતો.

દરમિયાન શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની ટીમે રથયાત્રાના પરંપરાગત રૂટ પરના ભયજનક મકાનો, તૂટેલા ફૂટેલા રસ્તાઓ અને ખાડાઓની સમીક્ષા કરવા સોમવારે રાઉન્ડ લીધો હતો. આ રાઉન્ડ એમ કહી રહ્યો હતો કે, રથયાત્રાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.