Site icon Revoi.in

રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય શા માટે ન કર્યો, ક્યા કારણોથી સરકારે વિચાર માંડી વાળ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ગુજરાત હોઈકોર્ટે પણ કોરોનું સંક્રમણ તોડવા માટે ત્રણ-ચાર દિવસના લોક ડાઉન માટે સુચના આપી હતી. બીજી બાજુ લોકડાઉનની જાહેરાત ક્યારે કરાશે તેની લાકો રાહ જોઈ રહ્યા હતા પણ સરકાર લોકડાઉનના નિર્ણય માટે અવઢવભરી સ્થિતિમાં હોવાનું કહેવાય છે. જો કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન કરવામાં આવે તો રસીકરણ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર તેની ગંભીર અસર થઈ શકે અને ઉલટાનું સંક્રમણ વધી શકે. આ ઉપરાંત પરપ્રાંતીયોનું પલાયન, આર્થિક ગતિવિધિઓ અને ગરીબ-નિરાધાર તેમજ ટંકનું કમાઈને ટંકનું ખાતા લોકોના જીવન નિર્વાહ ચલાવવાનો મોટો પડકાર ઉભો થઈ શકે તેમ હતો. જેને પગલે સરકારે લોકડાઉન કરવાનો વિચાર જ માંડી વાળ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવે તો હાલ પૂરજોશમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશન પર તેની ગંભીર અસર પડી શકે તેમ છે. જો લોકડાઉન કરવામાં આવે તો લોકો રસી લેવા જઈ શકે નહીં. લોકડાઉનને કારણે રસીકરણ બંધ કરવું પડે જે શક્ય નથી. માત્ર એટલું જ નહીં, ડોઝ-2 લેનારા માટેની ડેડલાઈન પણ લંબાઈ શકે, જે કોઈ કાળે પોષાય તેમ નથી. આ ઉપરાંત લોકડાઉનની માસ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર પણ માઠી અસર થઈ શકે તેમ હતી. હાલ રાજ્યમાં મોટાપાયે રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. કોઈને તકલીફ થાય તો ટેસ્ટિંગ માટે દોડવું કઈ રીતે તે સૌથી મોટો સવાલ છે. તેમજ લોકો શહેરમાંથી ગામડાઓમાં ભાગવા લાગે તો ટ્રેસિંગ કરવું પણ મુશ્કેલ બને તેમ હતું.

આ સિવાય લોકડાઉનને કારણે પરપ્રાંતીયોનું પલાયન પણ સૌથી મોટો મુદ્દો બની શકે તેમ હતો. ગત વર્ષે થયેલા લોકડાઉનને કારણે સૌથી ખરાબ હાલત પરપ્રાંતીય શ્રમિકોની થઈ હતી. જો ફરી લોકડાઉન થાય તો એમની દૈનિક આવકનું શું?. તેમજ પરપ્રાંતીયો પલાયન કરવા લાગે તો રાજ્યના ઉદ્યોગો મુશ્કેલીમાં આવી શકે તેમ હતા. તેમજ પલાયનને કારણે સંક્રમણ પણ વધુ વકરી શકે તેમ હતું. ખાસ કરીને માંડ માંડ ઉભું થયેલું રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ઠપ થઈ જાય. લોકડાઉનથી ગ્રાહકોની માંગમાં ઘટાડો થાય અને ઉત્પાદન ક્ષેત્ર પર પણ માઠી અસર પડી શકે તેમ હતી.