Site icon Revoi.in

વિશ્વ મેલેરિયા દિવસઃ અમદાવાદમાં મેલેરિયાના 1 વર્ષમાં 1281 કેસ નોંધાયાં

Social Share

અમદાવાદઃ દર વર્ષે તા. 25 એપ્રિલ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ તરીકે ઉજવાય છે આ વર્ષની થીમ ‘Time to deliver zero malaria: invest, innovate, implement” નિયત થઈ છે. મેલેરિયા સહિત ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા એ મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગો છે. ચોમાસામાં મચ્છરોની ઉત્પત્તિની શક્યતાઓ વધતા આ રોગોના ઉપદ્રવની શક્યતા વધે છે. અમદાવાદ શહેરમાં એક વર્ષમાં મેલેરિયાના 1281 તથા ઝેરી મેલેરિયાના 182 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં પાંચ પર્ષમાં 805 કેસ નોંધાયાં હતા.

દરમિયાન સુરત જિલ્લા પંચાયતના જિલ્લા મેલેરિયા અધિકારી ડો.અતિતકુમાર ડામોરએ જણાવ્યું હતું કે, સુરત શહેર-જિલ્લાના છેલ્લા પાંચ વર્ષ(2018 થી 2022)ના મેલેરિયાના રેકોર્ડ પર નજર કરીએ તો શહેર-જિલ્લામાં મેલેરિયાના કુલ 805 (569 પુરૂષ અને 236 સ્ત્રી) કેસ નોંધાયા હતા. 14 વર્ષ સુધીની વયજૂથના બાળદર્દીઓની સંખ્યા 88 હતી. તમામ દર્દીઓની સમયસર 100 ટકા રિકવરી થઈ હતી, જેના કારણે મૃત્યુની સંખ્યા શૂન્ય રહી હતી.  ડો. ડામોરે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી મેલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરથી રક્ષણ માટે આગામી એક વર્ષ દરમિયાન સુરત શહેર વિસ્તારમાં 1,10,600 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 43300 નંગ મળી કુલ 1.54 લાખ દવાયુક્ત, કીટનાશક ટ્રીટમેન્ટ કરાયેલી મચ્છરદાનીઓનું સગર્ભા માતાઓ અને રોગચાળાગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવશે.

મચ્છરદાનીઓ મેલેરિયા માટેના સંવેદનશીલ ગામોમાં સરકારના નિયમોનુસાર વિતરણ કરવામાં આવશે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ વાહકજન્ય રોગો માટે જોખમી ગૃપમાં આવતી હોઈ રાજ્ય સરકારના નિર્ણય મુજબ જિલ્લાની તમામ સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાની આપી વાહકજન્ય રોગો સામે રક્ષિત કરવામાં આવે છે. જેના કારણે પાંચ વર્ષથી મેલેરિયાથી સંક્રમિત સગર્ભાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ દવાયુક્ત મચ્છરદાની બનાવટ સમયે જ તેને દવાયુક્ત કરીને તૈયાર કરવામાં આવે છે. જેથી ત્રણથી પાંચ વર્ષ સુધી તેને દવાયુક્ત કરવાની જરૂરિયાત રહેતી નથી. આ મચ્છરદાનીને વીસ વખત સુધી ધોઈ શકાય છે.

મેલેરિયાની અટકાયત માટે અને રાજ્યના નાગરિકોને મેલેરિયા સામે સ્વસ્થ રાખવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઈન્ટ્રા અને પેરિડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ અને IPC દ્વારા લાર્વાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવે છે. બાંધકામ સાઈટની તપાસ, મજૂરોનું બ્લડ સ્ક્રીનીંગ પણ કરવામાં આવે છે એમ ડો.અતિતકુમાર ડામોરએ જણાવ્યું હતું.

મચ્છર ચોખ્ખા પાણીમાં અને ગંદા પાણીમાં પણ પેદા થાય છે. મચ્છર પાણીમાં ઈંડા મૂકે છે. ઈંડામાંથી પોરા થાય છે. પોરામાં બનતા કોશેટોમાંથી મચ્છર બહાર આવે છે. મચ્છરના જીવનચક્રના ચાર તબક્કાઓ- ઈંડા-પોરા-કોશેટો-પુખ્ત મચ્છર છે. મેલેરિયાના મચ્છરો ક્યાં રહે છે? મેલેરિયાના મચ્છરો ઘરો અને પશુઓના તબેલામાં રહે છે. પોતાની જાતિની આદત અનુસાર તેઓ ઘરમાં કે ઘરની બહાર આરામ ફરમાવતા હોય છે. આ મચ્છરો આરામ કરવા માટે અંધારી અને છાંયો આપતી જગ્યાઓ, જેમ કે ટેબલની નીચે, પરદાની પાછળ વગેરેને પસંદ કરે છે. મેલેરિયાના મચ્છરો મોટા ભાગે સાંજે કરડવાનું શરૂ કરે છે, અને આખી રાત કરડતા રહે છે. મચ્છર કઈ રીતે ચેપગ્રસ્ત બને છે? મચ્છર જ્યારે ચેપી રોગથી ગ્રસ્ત દર્દીને કરડે છે, ત્યારે તે પોતે ચેપગ્રસ્ત થઈ જાય છે અને આવા મચ્છરો પછી આખી જિંદગી ચેપગ્રસ્ત જ રહે છે. મેલેરિયાના મૃત્યુના મહત્તમ કેસોમાં પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ (P.F) નામના ખતરનાક મેલેરિયા હોવાનું જણાયું છે. એટલે કે મેલેરિયામાં મોટાભાગના મૃત્યુ આ પ્રકારના કારણે થાય છે. મેલેરિયાના મચ્છરો ક્યાં પેદા થાય છે?:- મેલેરિયાના મચ્છરો જમા થયેલા ચોખ્ખાં પાણી કે ધીમે ધીમે વહેતાં પાણી, તળાવોના કિનારે, નદીના કિનારે, સિંચાઈના સ્રોતો, અનાજના ખેતરો, કુવાઓ, વહેતી નદીઓના રેતાળ કિનારાઓ વગેરેમાં પેદા થાય છે. ઘરમાં કે ઘરની આજુબાજુ જ્યાં પણ પાણી ભરાતું હોય જેમ કે કુલડીઓ, છત પરની ખુલ્લી ટાંકીઓ, પશુઓ માટે પાણી પીવાના હવાડા, વગેરેમાં પણ મેલેરિયા ફેલાવતા મચ્છરો પેદા થાય છે. યાદ રાખો કે, ચોમાસામાં વરસાદ પછી મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં વૃદ્ધિ થતા મચ્છરની સંખ્યામાં વધારો થાય છે. મેલેરિયાના ચિન્હો મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક ચાલે છે, ત્યારરબાદ 8 થી 12 કલાક તીવ્ર તાવ આવે છે. તાવ એક દિવસના આંતરે અથવા દરરોજ આવે. માથું અને શરીર દુઃખે, કળતર, ઉલટી-ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે. સારવાર શંકાસ્પદ તમામ મેલેરિયા કેસો જેનું નિદાન 24 કલાકમાં ન થાય તો મેલેરિયાના નિદાન માટે રેપિડ ડાયગ્નોસ્ટીક કિટથી પણ કરી શકાય છે. માઈક્રોસ્કોકપી પરિક્ષણમાં મેલેરિયા માલુમ પડે તો આરોગ્યડ કાર્યકરની સલાહ મુજબ મેલેરિયાની સારવાર લેવી. વાયવેક્ષ પ્રકારના મેલેરિયાની સારવાર માટે ઉંમર પ્રમાણે કલોરોક્વિન અને પ્રિમાક્વિન ૧૪ દિવસ સુધી જ્યારે ફાલ્સિપેરમ પ્રકારના મેલેરિયા માટે ACT અને પ્રીમાકિવન આપવામાં આવે છે. રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ: બીજા વિશ્વયુદ્ધ પછી જાહેર આરોગ્ય સેવાઓમાં મેલેરિયા નિયંત્રણ માટે ડી.ડી.ટી.નો ઉપયોગ થવા લાગ્યો. આપણા દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડી.ડી.ટી.ના છંટકાવના સારા પરિણામ મળવા લાગ્યા જેના કારણે મેલેરિયાના કેસોના પ્રમાણમાં પણ ચમત્કારિક રીતે ઘટાડો નોંધાયો તેની સાથે સાથે ભારતમાં કૃષિ અને વિવિધ ક્ષેત્રના ઉત્પાદન વૃદ્ધિ થતી જણાઈ હતી. આ પરિણામને લક્ષમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ 1955માં ભારતમાં મેલેરિયા નાબુદી કાર્યક્રમ માટે ભલામણ કરી હતી. રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યકમ ભારતમાંથી મેલેરિયાને જડમૂળથી નાબૂદ કરવા દેશની તમામ વસ્તીને જાગૃત્ત કરી શકાય તે હેતુથી રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ શરૂ કરાયો અને એ દ્વારા માનવસમૂહમાંથી મેલેરિયા પરોપજીવી શોધી કાઢી સારવારથી આ પરોપજીવીને સદંતર દૂર કરવા જેથી મચ્છરની હાજરી ભલે હોય પણ મેલેરિયા ફરી ફેલાય નહીં તે માટેનો ઘનિષ્ઠ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. મેલેરિયા કેવી રીતે ફેલાય છે? મેલેરિયા એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો રોગ છે. એનોફિલીસ માદા મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે, અને ત્યારબાદ તંદુરસ્ત વ્યક્તિને કરડે ત્યારે તેને મેલેરિયાનો ચેપ લાગે છે અને તંદુરસ્ત વ્યક્તિને મેલેરિયા થાય છે.