(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025: 1971 War Vijay Diwas આજે 16 ડિસેમ્બર. 54 વર્ષ પહેલાનો એ વિજય દિવસ. પાકિસ્તાની સૈન્યની વધુ એક હારનો આ દિવસ. હાલ જે રીતે ઓપરેશન સિંદૂરની ચર્ચા ચારે તરફ છે એવી જ રીતે 1971ના અંતિમ મહિનામાં ભારતીય સૈન્યે તે સમયના પૂર્વ પાકિસ્તાન અને આજના બાંગ્લાદેશની ધરતી ઉપર પાકિસ્તાની સૈન્યને માત્ર 13 દિવસના યુદ્ધમાં ધૂળ ચાટતું કરી દીધું હતું.
પાકિસ્તાની સૈન્યની એ ઘણી મોટી હાર હતી અને તેમના 93,000 સૈનિકોએ શસ્ત્રો હેઠાં મૂકીને આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય સૈન્યે અને તેમાંય ખાસ કરીને વાયુદળે (Indian Air Force) એ જીતમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
એ વિજય દિવસની યાદમાં ઈન્ડિયન એરફોર્સના પ્રવકતાએ પણ એક પોસ્ટ શૅર કરીને 1971ના યુદ્ધના વિજેતા જવાનોને ભવ્ય અંજલિ આપી છે. વિંગ કમાન્ડર અભિષેકકુમાર તિવારીએ લખ્યું છે કે, 1971ની 14 ડિસેમ્બરે ભારતીય હવાઈ દળે ઢાકા યુનિવર્સિટીમાં પાકિસ્તાની દળો ઉપર સચોટ નિશાન તાક્યું હતું. ત્યારબાદ 15 ડિસેમ્બરે મિગ-21 તથા હંટર યુદ્ધ વિમાનોએ દુશ્મન દળોને તબાહ કરી દીધા હતા. તે દિવસે સાંજ સુધીમાં જમીન પરથી ગોળીબાર બંધ થઈ ગયા હતા અને ભારત માટે જીતનો માર્ગ મોકળો થવા સાથે બાંગ્લાદેશની મુક્તિ પણ થઈ હતી.
“વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ચાલો ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાની અજોડ બહાદુરીને સલામ કરીએ.
૧૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ, ભારતીય વાયુસેનાએ ઢાકા યુનિવર્સિટી સાથે પાકિસ્તાની સૈનિકોના સ્થળોને ચોક્કસ રીતે નિશાન બનાવ્યા, ત્યારબાદ ૧૫ ડિસેમ્બરના રોજ અવિરત મિગ-૨૧ અને હન્ટર સોર્ટીઝ દ્વારા દુશ્મનના સંરક્ષણને તોડી પાડવામાં આવ્યું. સાંજ સુધીમાં જમીન પર ગોળીબાર બંધ થઈ ગયો – ભારતના ઐતિહાસિક વિજય અને બાંગ્લાદેશના જન્મનો માર્ગ મોકળો થયો.
તેમની હિંમત, ચોકસાઈ અને બલિદાન આપણને આપણા રાષ્ટ્રનું રક્ષણ કરતી અદમ્ય ભાવનાની યાદ અપાવે છે.”
વાસ્તવમાં તત્કાલીન પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ભાષાના મુદ્દે ભારે વિવાદ હતો. પૂર્વ પાકિસ્તાનને તેની બાંગ્લા ભાષા પ્રત્યે લગાવ હતો. પરંતુ પાકિસ્તાની સત્તાવાળાઓ ઉર્દૂ ભાષા થોપી રહ્યા હતા. પૂર્વ પાકિસ્તાનના રાજકીય પક્ષો તથા પ્રજાએ ઉર્દૂનો સ્વીકાર કરવાનો ઈનકાર કરતાં ધર્મના આધાર ઉપર ભારતથી અલગ થયેલા પાકિસ્તાનીઓએ પૂર્વ પાકિસ્તાનીઓ ઉપર અસાધારણ અમાનવીય અત્યાચાર શરૂ કર્યા. જે સહન થતાં બાંગ્લા મુક્તિ બાહિની નામે સંગઠનની રચના થઈ. આ સંગઠને પાકિસ્તાનથી અલગ થવાની ચળવળ ચલાવી. એ ચળવળને દબાવી દેવા પાકિસ્તાની સૈન્યે અત્યાચાર કરવામાં કશું બાકી રાખ્યું નહીં ત્યારે બાંગ્લા મુક્તિ બાહિનીએ ભારતની મદદ માગી હતી. જેને પગલે પાકિસ્તાની સૈન્યે ભારત ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. દેખીતી રીતે પાકિસ્તાનીઓની એ હરકત યુદ્ધનું આહવાન હતું અને પછી ભારતીય સૈન્યે, ખાસ કરીને ભારતીય વાયુદળે ખૂબ યોજના અને સાહસપૂર્વક સૈન્ય અભિયાન ચલાવીને પૂર્વ પાકિસ્તાનમાં રહેલા પાકિસ્તાની દળોને ઘૂંટણે પાડી દીધા હતા. માત્ર 13 દિવસની કાર્યવાહીમાં જ પાકિસ્તાની સૈન્યે શરણાગતિ સ્વીકારી લીધી અને તે સાથે બાંગ્લાદેશ નામે એક અલગ દેશની રચનાનો માર્ગ મોકળો થયો.
એ વાત અલગ છે કે, હાલના બાંગ્લાદેશના સત્તાવાળાઓ કટ્ટરવાદીઓને શરણે પડી ગયેલા છે અને ભારત વિરુદ્ધ પગલાં લે છે, પરંતુ 1971માં તેમની મુક્તિમાં ભારતની અગ્રીમ ભૂમિકા હતી તે વાત મોટાભાગના બાંગ્લાદેશીઓ સહિત દુનિયાના દેશો સારી રીતે જાણે છે.

