મુંબઈ, 25 ફેબ્રુઆરી 2026: મુંબઈ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અંધેરીના વર્સોવા વિસ્તારમાંથી 25 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો કોઈપણ માન્ય દસ્તાવેજ વિના છેલ્લા કેટલાક વર્ષોથી અહીં રહેતા હતા. પોલીસને તેમની પાસેથી મોટી સંખ્યામાં નકલી ભારતીય ઓળખપત્રો પણ મળી આવ્યા છે. આ સફળ ઓપરેશન વર્સોવા પોલીસના એન્ટી-ટેરર સેલ (ATC) દ્વારા પાર પાડવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરવામાં આવેલા 25 લોકોમાં 21 ટ્રાન્સજેન્ડર, 2 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલા યારી રોડ વિસ્તારમાં રહેતા હતા. પોલીસને છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો રહેતા હોવાની માહિતી મળી રહી હતી, જેના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
વર્સોવા પોલીસને એક બાતમીદાર પાસેથી પાકી માહિતી મળી હતી કે આ તમામ લોકો મોડી રાત્રે યારી રોડ પર આવેલી એક દરગાહ પાસે એકઠા થવાના છે. આ માહિતીના આધારે પોલીસની એન્ટી-ટેરર સેલ (ATC) ટીમે એક ખાસ યોજના બનાવી હતી. પોલીસે વિસ્તારમાં ઓચિંતો છાપો મારીને તમામ 25 લોકોને કોર્ડન કરીને કસ્ટડીમાં લઈ લીધા હતા. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ તમામ આરોપીઓ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા.
આ બાંગ્લાદેશીઓ સૌથી પહેલા સરહદ પાર કરીને કોલકાતા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ દિલ્હી અને ગુજરાત થઈને મુંબઈ આવ્યા હતા. મુંબઈ પહોંચ્યા પછી આ લોકોએ નકલી રીતે આધાર કાર્ડ અને અન્ય ભારતીય ઓળખના દસ્તાવેજો પણ બનાવી લીધા હતા. પોલીસ હવે એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે આ લોકોને નકલી દસ્તાવેજો બનાવવામાં સ્થાનિક સ્તરે કોણે મદદ કરી છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતમાં વસાવવા અને તેમના નકલી કાગળો તૈયાર કરવા પાછળ સંડોવાયેલા સમગ્ર નેટવર્કને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં તમામ આરોપીઓ સામે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ તમામ બાંગ્લાદેશીઓને પાછા તેમના દેશ મોકલવાની (ડિપોર્ટેશનની) કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા અન્ય વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં 85 પાકિસ્તાની આતંકી છુપાયેલા હોવાનો ઘટસ્ફોટ, ત્રાસવાદીઓના ઠેકાણા ઉપર મોર્ટારથી કરાશે હુમલો

